જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અને શાકભાજી વિક્રેતા અમિત સેહરાની જિંદગી અચાનક બદલાઈ ગઈ
Jaipur, તા.૫
જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અને શાકભાજી વિક્રેતા અમિત સેહરાની જિંદગી અચાનક બદલાઈ ગઈ છે, કેમકે તેને ૧૧ કરોડની લોટરી લાગી છે. અમિત સેહરાએ જણાવ્યું કે તે પોતાના એક મિત્ર સાથે પંજાબના મોગા ફરવા ગયો હતો ત્યારે તેણે લોટરીની બે ટિકિટ ખરીદી હતી. એક ટિકિટ તેણે પોતાના નામ પર લીધી હતી અને બીજી ટિકિટ પત્નીના નામ પર લીધી હતી. રસપ્રદ વાત એ છે કે આ ટિકિટો ખરીદવા માટે અમિતે પોતાના મિત્ર પાસેથી ૧૦૦૦ ઉધાર લીધા હતા.
જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અમિતે જણાવ્યું કે, તેની પત્નીના નામ પર લીધેલી ટિકિટ પર તેને ૧૦૦૦નું ઇનામ મળ્યું છે, જ્યારે તેની ટિકિટ પર ૧૧ કરોડનું બમ્પર ઇનામ મળ્યું છે. લોટરી જીત્યા પછી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ચંદીગઢ આવેલા અમિત સેહરાએ આંખોમાં આંસુ સાથે પોતાની વાત કહેતા જણાવ્યું કે, મારી પાસે ઇનામ લેવા ચંદીગઢ પહોંચવા માટે પણ પૈસા નહોતા. આથી મેં મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા, જેથી ઇનામની રકમ લેવા જઈ શકાય.
અમિત સેહરા શાકભાજીની લારી લગાવે છે. તેણે ભઠિન્ડાની એક દુકાનમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી. નસીબે તેનો સાથ આપ્યો અને તેણે પંજાબ સ્ટેટ લોટરી-દિવાળી બમ્પર ૨૦૨૫નું સર્વોચ્ચ ઇનામ જીતી લીધું. લોટરીનું પરિણામ ૩૧ ઑક્ટોબરે જાહેર થયું હતું.
૧૧ કરોડ જીત્યા બાદ અમિત સેહરાએ પંજાબ સરકાર અને લોટરી એજન્સીનો આભાર માન્યો અને કહ્યું કે, હવે મારા બધા દુઃખ-દર્દ દૂર થઈ ગયા છે. મોગા ફરવા દરમિયાન મિત્ર પાસેથી ૧૦૦૦ ઉધાર લઈને મેં બે ટિકિટ લીધી હતી, જેમાં તેની ટિકિટ પર ૧૧ કરોડ અને પત્નીની ટિકિટ પર ૧૦૦૦નું ઇનામ નીકળ્યું છે. અમિતે વધુમાં કહ્યું કે તે પોતાના મિત્રની બંને દીકરીઓને ૫૦-૫૦ હજાર આપશે.
અમિતે આગળ કહ્યું કે મેં મારી માતાને ગુમાવ્યા છે, તેથી હું દીકરીઓનું દર્દ સમજી શકું છું. તેથી હું મારા મિત્રની દીકરીઓને ૫૦-૫૦ હજાર આપીશ. બાકીના પૈસા હું મારા બાળકોના શિક્ષણ અને ઘર બનાવવામાં લગાવીશ. હું લોકોને પંજાબ સરકારની આ યોજનાનો લાભ લેવા વિનંતી કરું છું. મારી પ્રાર્થના છે કે દરેક વ્યક્તિની ગરીબી દૂર થાય.

