Rajkot, તા.7
ટી.એ.બી.સી. નામના ક્રિપ્ટો કરન્સી કોઈનમાં અલગ અલગ 62 જેટલા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાના કોઈન આપી અને કોઈનનું વિથડ્રો ન કરવા દઈ મહાકાય કૌભાંડ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા મહંમદ મીઠાણી અને અમઝદ મુલતાનીની જામીન અરજી મંજૂર થયેલી છે.
રાજકોટ શહેરમાં રહેતા મોહસીન રસીદ મુલતાનીએ પોતાના અને અન્ય લોકોના નાણાની ઠગાઈ થયેલ હોઈ જેથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવેલ હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ બ્લોક ઓરા કંપનીના નામે ટી.એ.બી.સી. નામના કોઈનનું લિસ્ટીંગ કરાવી ઊંચું વળતર મળશે તેવા લોભ-લાલચ આપી 62 લોકો પાસેથી 4 કરોડ રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરી હતી.
પોલીસે મહંમદ મીઠાણી અને અમઝદ મુલતાનીની ધરપકડ કરેલી. પોલીસ તપાસ દરમ્યાન જણાયેલ કે, આ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા મેળવેલ છે અને કોઈપણ રોકાણકારને પૈસા પરત આપેલા ન હતા. બંને આરોપીએ જામીન માટે અરજી કરી હતી. જેમાં આરોપીઓના વકીલે દલીલ કરેલ કે, આક્ષેપો ગંભીર પ્રકારના છે, આક્ષેપોને સમર્થન આપે તેવા પુરાવાઓની ઉપસ્થિતિ હોવા જરૂરી છે.
આથી ફરિયાદને સમર્થન આપતા પુરાવા મળી આવેલ નથી. બંને પક્ષની રજુઆત બાદ આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ભાવેશ બાંભવા, હિતેશ વીરડા, સિદ્ધરાજ ચાવડા, હાઈકોર્ટમાં ધ્રુવ ટોળિયા, મદદનીશ રવિ ચાવડા, પરેશ અજાણા, કિરણ જોગહવા રોકાયેલ હતા.

