Ahmedabad,તા.૮
આ સિઝનમાં અમદાવાદમાં પ્રથમ વખત ૧૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને રાજ્યભરમાં તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાંથી હવે કમોસમી વરસાદ વિદાય લઈ રહ્યો છે, અને શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં હવામાન બદલાયું છે, અને ઠંડી ધીમે ધીમે પોતાની હાજરી દર્શાવવા લાગી છે. રાત્રિ અને સવારના સમયે ઠંડી ખાસ કરીને નોંધપાત્ર રીતે લાગી રહી છે.
આપને જણાવી દઈએ ગુજરાતમાં તાપમાન, ગાંધીનગરમાં ૧૬.૫ ડિગ્રી, ડીસામાં ૧૬.૩ ડિગ્રી, વડોદરામાં ૧૬.૬ ડિગ્રી, અમરેલીમાં ૧૬.૬ ડિગ્રી, કંડલામાં ૧૭ ડિગ્રી, મહુવામાં ૧૮.૧ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૫ ડિગ્રી, ભુજમાં ૧૮.૮ ડિગ્રી, સુરતમાં ૧૯.૮ ડિગ્રી, દમણમાં ૨૦ ડિગ્રી, પોરબંદરમાં ૧૯.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૯ ડિગ્રી, દીવમાં ૨૦.૮ ડિગ્રી અને કેશોદમાં ૨૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગે આજ રાતથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. આજથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે, સાથે પવનની દિશામાં પણ ફેરફાર થવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ જશે, જેનાથી ઠંડી વધુ તીવ્ર બનશે. ઉત્તર દિશાના પવનોને કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં પણ નોંધપાત્ર ઠંડીનો અનુભવ થશે.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદથી રાજ્યને રાહત મળી છે. વરસાદી સિસ્ટમના વિદાય સાથે, ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે, અને ઠંડી ધીમે ધીમે વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યભરમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જે શિયાળાની ઋતુના આગમનનો સંકેત આપે છે.
ધીરે ધીરે કમોસમી વરસાદ બંધ થતાં, હવામાન શુષ્ક અને ઠંડુ બનશે. ઉત્તર ભારતમાં બરફવર્ષા અને ઠંડા ઉત્તર દિશાના પવનોની અસરથી ગુજરાતમાં રાત્રિ અને સવારના સમયે ઠંડીમાં વધારો થશે. દિવસના મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ગરમીથી રાહત મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ થોડી ઠંડીનો અનુભવ થશે. ખેડૂતોને કમોસમી વરસાદના ભયથી રાહત મળશે, અને હવે રવિ પાક માટે હવામાન અનુકૂળ રહેવાની અપેક્ષા છે.

