તેમના છેલ્લા મિશનમાં સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટને ફ્લોરિડાના કેપ કેનાવેરલમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું
Washington, તા.૮
ઇલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સ્પેસએક્સ દ્વારા ૨૦૨૫માં ૧૪૬ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે. તેમના છેલ્લા મિશનમાં સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટને ફ્લોરિડાના કેપ કેનાવેરલમાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. એ વખતે ૨૯ સ્ટારલિંક સેટેલાઇટ્સને લો-અર્થ ઓરબિટમાં લોન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે સ્પેસએક્સ દ્વારા ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે.
સ્પેસએક્સ દ્વારા ૨૦૧૯માં ફક્ત ૧૩ ઓરબિટલ લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્પેસએક્સ દ્વારા ઘણાં મિશન અને ઘણી સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવી હતી. સ્પેસએક્સ દ્વારા ૨૦૨૪માં કુલ ૧૩૮ લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે આ વર્ષે સ્પેસએક્સ દ્વારા પોતાનો જ રેકોર્ડ તોડવામાં આવ્યો છે. ઇલોન મસ્કની કંપની દ્વારા આ વર્ષે ૧૪૬ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે અને હજી આ વર્ષ પૂરું થવામાં ઘણાં દિવસ બાકી છે. સ્પેસએક્સ દ્વારા આ વર્ષે જેટલાં પણ મિશન લોન્ચ કરવામાં આવ્યાં છે, એમાં ૧૦૦થી વધુ મિશન સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે લોન્ચ કરવામાં આવ્યા છે. છેલ્લા મિશનમાં સ્પેસએક્સ દ્વારા ૨૯ સેટેલાઇટ મોકલવામાં આવી છે. સ્પેસએક્સ દ્વારા હવે બહુ જલદી તેમના નેટવર્કમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેમની પાસે હવે ૮,૮૦૦ એક્ટિવ સેટેલાઇટ્સ છે, જે વિવિધ દેશોમાં ઇન્ટરનેટ પૂરો પાડે છે. ફાલ્કન ૯ ફર્સ્ટ-સ્ટેજ બૂસ્ટરની આ પાંચમી ફ્લાઇટ હતી. આ બૂસ્ટરનો ઉપયોગ અગાઉ બે વાર અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં લઈ જવા માટે અને સ્પેસ સ્ટેશનમાં સપ્લાય લઈ જવા માટે પણ કરવામાં આવ્યો હતો. લોન્ચ થયાની ૮.૫ મિનિટ બાદ સ્ટેજ સેપરેશન પછી એ દરિયામાં લેન્ડ થઈ ગયું હતું અને બીજો ભાગ ઓરબિટમાં ગયો હતો અને સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરી હતી.

