૧૦ નવેમ્બરે પૂર્વી રાજસ્થાન અને ૧૧ નવેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં શીત લહેર આવશે
New Delhi, તા.૯
દેશભરમાં ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે, લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. આ દરમિયાન, રવિવારે હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ૧૦ નવેમ્બરે પૂર્વી રાજસ્થાન અને ૧૧ નવેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં શીત લહેર આવશે. આમ, આગામી દિવસોમાં ચાર રાજ્યો માટે શીત લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત, આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ હરિયાણા, ઉત્તરપશ્ચિમ ભારત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના કેટલાક મેદાની વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા લગભગ ૨થી ચાર ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. ૧૦, ૧૨ અને ૧૩ નવેમ્બરે તમિલનાડુ માટે અને ૧૦ અને ૧૧ નવેમ્બરે કેરળ અને માહેના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦, ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ તમિલનાડુના મોટાભાગના ભાગોમાં અને ૧૦ અને ૧૧ નવેમ્બરના રોજ કેરળ અને માહેમાં વરસાદ પડી શકે છે. ૧૦ અને ૧૩ નવેમ્બરના રોજ તમિલનાડુમાં અને ૧૦ અને ૧૧ નવેમ્બરના રોજ કેરળ અને માહેમાં વીજળી અને વાવાઝોડાની શક્યતા છે.
ઠંડી અંગે, ૧૦ નવેમ્બરના રોજ પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને ૧૦ અને ૧૧ નવેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં ઠંડીનું મોજું પ્રસરી જશે. આગામી ચારથી પાંચ દિવસમાં, મધ્યપ્રદેશ, ઉત્તરી છત્તીસગઢ, ઉત્તરપશ્ચિમ ઝારખંડ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ચારથી સાત ડિગ્રી ઓછું રહેશે, અને ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના ઉત્તરી ભાગમાં લગભગ બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે.આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તરપૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટશે.

