સમાજ કલ્યાણ વિભાગના સરકારી અધિકારી સાથે જ એક શખ્સે છેતરપિંડી કરી ૩૬ હજારનો ચૂનો લગાવ્યો
Rajkot , તા.૯
કેન્દ્ર સરકારની લેપટોપ સહાય યોજના હેઠળ માત્ર બે હજાર રૂપિયામાં લેપટોપ મળે છે એવી લાલચ આપી રાજકોટમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સમાજ કલ્યાણ વિભાગના સરકારી અધિકારી સાથે જ એક શખ્સે છેતરપિંડી કરી ૩૬ હજાર રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. હવે સાયબર ક્રાઈમ પોલીસે આ નકલી અધિકારીને ઝડપી લીધો છે.
રાજકોટના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી નિખીલ પરમારને એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે, કેન્દ્ર સરકારની “કૌશલ્ય સ્કિલ ડેવલપમેન્ટ” યોજના હેઠળ માત્ર બે હજાર રૂપિયામાં લેપટોપ આપવામાં આવે છે. અરજી કર્યા બાદ રૂપિયા રિફંડ મળે છે એવું કહી વિશ્વાસ જીત્યો અને પછી ધીમે ધીમે રૂપિયા પડાવ્યા હતા. જયસુખ સરવૈયા નામના શખ્સે પોતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એજ્યુકેશન નોડલ ઓફિસર હોવાનું જણાવી ચાર વિદ્યાર્થીઓના નામે ફોર્મ ભરાવ્યા. ક્યુઆર કોડ મારફતે એક પછી એક કરીને ૪ હજાર, ૮ હજાર, ૨૦ હજાર, અને પછી ૫ હજાર એમ કુલ ૩૬ થી ૩૭ હજાર રૂપિયા જેટલી રકમની છેતરપિંડી કરી હતી.બાદમાં જયસુખનો સંપર્ક ન થતા અધિકારીએ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી.
સાયબર ફ્રોડની છેતરપિંડીના કેસ મામલે ક્રાઇમ ડી.સી.પી જગદીશ બાંગરવા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ પોલીસની પીઆઈ એસ.ડી. ગિલવા અને ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે.આરોપી પોતે કેન્દ્રીય અધિકારી તરીકે ઓળખ આપતો હતો અને ગરીબ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની લાલચ આપતો હતો. હાલ તેની ધરપકડ કરી છે અને તેની સામે વધુ કેટલાએ ફરિયાદ કરી છે તે દિશામાં તપાસ ચાલુ છે. સાથે જ ડી.સી.પી ક્રાઈમ જગદીશ બાંગરવાએ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સરકારી યોજના હેઠળ સહાય અપાવવા રૂપિયા માંગે તો તે છેતરપિંડી હોઈ શકે છે.કોઈ પણ અચોક્કસ લિંક કે ઊઇ કોડ પર રૂપિયા ન ભરો અને શંકાસ્પદ કિસ્સામાં તરત ૧૯૩૦ પર સંપર્ક કરો.

