New Delhi,તા.10
દેશમાં ફરી સક્રીય થયેલા આતંકારી નેટવર્કમાં અમદાવાદના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તેમના નેટવર્ક-ઈરાદાઓ અંગે હજુ તપાસ ચાલુ છે તે સમયે જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોકટરના નિવાસે દરોડા પાડી 350 કીલો આરડીએકસ તથા બે એકે 47 રાઈફલ અને મોટી માત્રામાં કારતૂસો ઝડપી પાડી મોટા ત્રાસવાદી હુમલાના આયોજનને નિષ્ફળ બનાવ્યા છે.
એક તરફ ગુજરાત પોલીસે રાસાયણીક ઝેર તૈયાર કરી તેના ઉપયોગથી મોટો માનવસંહાર સર્જવાની તૈયારી સાથે અમદાવાદમાંથી ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. તે સમયે વધુ એક મોટા ત્રાસવાદી હુમલાની શકયતા પણ સર્જાઈ હતી. તે દર્શાવે છે કે દેશમાં આતંકી નેટવર્ક હજું સક્રીય છે અને તેની પાસે મોટી સંખ્યામાં શો અને વિસ્ફોટકો સાથે હુમલાની યોજના પણ તૈયાર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા દિવસ પુર્વે ફરીદાબાદમાં દરોડો પાડયો હતો અને એક ડોકટર મુજાહિલ શકીલની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ રાઈફલ તથા 84 કારતૂસ અને પાંચ લીટર કેમીકલ જેનો ઉપયોગ વિસ્ફોટ કરવામાં થઈ શકે છે તે ઝડપી લીધુ હતું. 300 કિલો આરડીએકસ 14 બેગમાં રખાયું હતું.
ડોકટરે ત્રણ માસ પુર્વે આ રૂમ ભાડે રાખીને પોતાનો સામાન ત્યાં ગોઠવ્યો હતો. આ ઉપરાંત નેટવર્કમાં એક ડો.આદીલ કઈ રીતે સામેલ તેની તપાસ શરૂ કરી છે અને તે તથા જમ્મુ-કાશ્મીરમાં ઝડપાયેલા ડો. મુજાહિલ શકીલના કોન્ટેકટની તપાસ શરૂ થઈ છે. ડો.આદીલ જો કે અગાઉ પણ ગુપ્તચર એજન્સીના `વોચ’ પર હતો તે સહારનપુર અને શ્રીનગર સુધી સક્રીય હોવાનું મનાય છે.
અગાઉ શ્રીનગરમાં જૈશ એ મોહમ્મદની તરફેણમાં જે પોષ્ટર લાગ્યા હતા તેમાંથી ડો. આદીલની ભૂમિકા હોવાનું ખુલ્યુ હતું અને ત્રણ દિવસ પુર્વે અંબાલાની એક હોસ્પીટલમાંથી તેની ધરપકડ થઈ હતી.
ડો. આદીલ મૂળ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે અને તેણે દિલ્હી તથા આસપાસ નેટવર્ક બનાવ્યું હોવાની આશંકા છે. આમ બે તબીબોની આ સમગ્ર ષડયંત્રમાં ખુલેલી ભૂમિકાથી હાઈપ્રોફાઈલ નેટવર્ક હોવાનું માનવામાં આવે છે. ફરીદાબાદ એ નેશનલ કેપીટલ રીજયોનનો વિસ્તાર છે. તેથી આ ષડયંત્રમાં દિલ્હીમાં જબરા ત્રાસવાદી હુમલાની શકયતા દર્શાવાઈ છે.

