Ahmedabad, તા.10
રાજ્યમાં તાજેતરમાં વકીલોને નોટરી તરીકે નિમણુંક કરવાની જાહેરાત થઈ હતી. જે પછી હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાશે. બુધવારે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યાં રાજ્ય ભરમાંથી વકીલો હાજરી આપશે.
આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ, વાઇસ ચેરમેન મુકેશભાઈ કામદારે જણાવ્યા મુજબ, ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણુંક પામેલા એડવોકેટઓના નોટરી પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ તારીખ – 12/11/2025 ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સવારે 9:30 વાગ્યાથી યોજવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક પામનાર ધારાશાસ્ત્રીઓના જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ તમામ ધારાશાસ્ત્રીઓને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા કાયદામંત્રી(રાજ્ય કક્ષા) કૌશિકભાઇ વેકરીયાના હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે ધારાશાસ્ત્રીઓનું નામ આ લિસ્ટમાં સામેલ છે. તે તમામ ધારાશાસ્ત્રીઓએ સંપૂર્ણ ગણવેશમાં ઉપર જણાવેલ તારીખ, સ્થળ અને સમયે અચૂક હાજર રહેવાનું છે.

