Ahmedabad,તા.10
બાળકોના હક્ક અને સુરક્ષા સંબંધિત કાયદાઓના અમલીકરણમાં ઉદાસીનતા રાખવા બદલ ગુજરાત હાઇકોર્ટએ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. `બચપન બચાઓ આંદોલન’ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અદાલતે રાજ્ય સરકારને સ્પષ્ટ કહ્યું કે બાળકોના હિત માટે બનેલા કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.
અરજદાર સંસ્થાએ રજૂઆત કરી હતી કે, રાજ્યમાં સુપ્રીમ કોર્ટના બાળકોને લગતા નિર્દેશોનું અમલીકરણ પૂરુંપણે થતું નથી. જેના પગલે હાઇકોર્ટે અગાઉ રાજ્યને સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (SCPCR)ની રચના કરવાની ફરજ પાડી હતી. હવે હાઇકોર્ટે કમિશનને સોશિયલ ઓડિટ પોલિસી નક્કી કરી તેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
રાજ્ય સરકારે અગાઉ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ સોશિયલ ઓડિટ પોલિસી તૈયાર કરી દેવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી એક પણ સોશિયલ ઓડિટ હાથ ધરાઈ નથી. આ બાબતે હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે બાળ સંરક્ષણ આયોગની રચના બાદ તેનું પ્રથમ કાર્ય સોશિયલ ઓડિટ કરવાનું હતું, પરંતુ તે થયું નથી.
અદાલતે રાજ્ય સરકારને યાદ અપાવ્યું કે, સોશિયલ ઓડિટ માત્ર વર્ષના અંતે થતી પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે, જેના દ્વારા બાળ સંરક્ષણ ગૃહો, અનાથાલય, એડોપ્શન એજન્સી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને અન્ય બાળ સંસ્થાઓની કામગીરીનું મૂલ્યાંકન થાય છે. સતત મોનીટરિંગથી ખામીઓ સુધારવામાં મદદ મળે છે.
સરકાર તરફથી રજૂ થયેલા ક્વાર્ટરલી રિપોર્ટ અંગે અદાલતે જણાવ્યું કે તેમાં બાળક સંભાળ સંસ્થાઓની વાસ્તવિક સ્થિતિ દર્શાવવામાં આવી નથી. કમિશનની કામગીરી ફક્ત કાગળ પર નહીં, પરંતુ જમીન સ્તરે દેખાય તે જરૂરી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે બાળકોના હિત માટેની કામગીરી દેખાડા માટે નહીં, પરંતુ તેમના ભલાઈ માટે થવી જોઈએ.
અરજદારે વધુમાં દાવો કર્યો કે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015, પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એક્ટ, 2005 અને પોક્સો એક્ટની જોગવાઈઓના અમલીકરણમાં રાજ્ય નિષ્ફળ રહ્યું છે. સાથે જ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા હાઇકોર્ટે આદેશ આપ્યો.
હાલ રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટની કુલ 462 જગ્યાઓમાંથી 107 જગ્યાઓ ખાલી છે, જ્યારે 123 ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાંથી 3નું રજીસ્ટ્રેશન હજુ પ્રોસેસમાં છે અને 141 જગ્યાઓ ખાલી છે.
હાઇકોર્ટે અનાથાલયોમાં બાળકોનું શોષણ અટકાવવા માટે નિયમિત સોશિયલ ઓડિટ હાથ ધરવા અને રાજ્ય સરકારે બાળકો સામેના ગુનાઓ માટેઝીરો ટોલરન્સ પોલિસી ઘડવાની જરૂરિયાત વ્યક્ત કરી. આ કેસની આગામી સુનાવણી 12 ડિસેમ્બર, 2025ના રોજ યોજાશે.

