Amreli, તા.10
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે પશુપાલકોને થયેલ નુકશાન અને પશુપાલકોના કિમતી પશુધન બચાવવા માટે ખાણદાણ, ઘાસચારો, વેટેનરી દવાઓ અને સારવાર માટે સ્પેશ્યલ પેકેજ મંજુર કરવા માટે થઈને અમર ડેરીના બોર્ડની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરીને રાજ્યના મુખ્ય મંત્રી, ભુપેન્દ્ર પટેલ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણી, તથા રાજ્ય મંત્રી કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ વૈધાનિક અને સંસદીય બાબતના મંત્રી કૌશિકભાઈ વેકરીયાને વિનંતી કરેલ છે.
અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરીનુ અમરેલી ખાતે બોર્ડ મળેલ હતું, જે બોર્ડમાં પશુપાલકોની રજૂઆત અને માંગણી અંગે ચર્ચા કરવામાં આવેલ તે અનુસંધાને તાજેતરમાં છેલ્લા 10-15 દિવસથી સતત અતિભારે કમોસમી (માવઠું) વરસાદ પડવાના કારણે પશુ બીમાર પડેલ છે.
તેમજ પશુઓને ખાવા માટે ઘાસચારો પણ સદંતર નાશ પામેલ છે. તેવા સંજોગોમાં કીમતી પશુધન બચાવવા માટે પોષણક્ષમ આહાર તરીકે ખાણદાણ આપવું ખુબજ જરૂરી હોય તેવા સંજોગોને ધ્યાને લેતા અમરેલી જિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરીનુ બોર્ડ સર્વાનુમતે ઠરાવ કરે છે.
કે ઉપરોક્ત સંજોગોને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે પશુઓને ખાવા માટેનો ઘાસચારો, પોષણક્ષમ આહાર, પશુદાણ તેમજ જરૂરી વેટેનરી સારવાર અને દૂધ ઉત્પાદનમાં થયેલ નુકશાન અંગેનું ખાસ રાહત પેકેજ મંજુર કરી સહાય આપવા અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરીનુ સમગ્ર બોર્ડ અમરેલી જીલ્લાના પશુપાલકો વતી ભલામણ કરેલ છે.

