Mumbai,તા.10
ભારતમાં સિનેમાઘર અને OTT વચ્ચેની જંગ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. પહેલાં જ્યાં દરેક શુક્રવાર ફિલ્મપ્રેમીઓ માટે ખાસ દિવસ ગણાતો હતો, આજે એ ઉત્સાહ ઓછો દેખાય છે. હવે લોકો થિયેટર જવાની જગ્યાએ કહે છે કે ફિલ્મ OTT પર આવી જાય પછી જોઇ લઈશું.
એક સમય હતો જ્યારે નવી ફિલ્મ માટે ટિકિટની કતારો લાગતી, પોપકોર્નની સુગંધ આવતી અને લોકો સાથે મળીને સિનેમા જોવાનો જુદો જ આનંદ હતો. હવે એ ઉત્સાહ ધીમો પડી રહ્યો છે.
આ વર્ષે થોડી જ હિન્દી ફિલ્મોએ લોકોને ખેચ્યાં છે, જ્યારે લગભગ ફિલ્મો માટે લોકોની ચિતા ઓછી થઈ ગઈ છે. બીજી ખાસ વાત એ છે કે કોરોના કાળ દરમ્યાન લોકો ઘરમાં ઓ.ટી.ટી.ના સહારે જ હતા અને આ કંપની હવે ટેવમાં બદલાઇ ગઇ જે સિનેમા માટે મુશ્કેલ બની.
હવે લોકો પાસે બીજા અનેક મનોરંજન માટેના વિકલ્પો છે અને લોકો પાસે સમયનો અભાવ છે. નાના અને મધ્યમ બજેટની ફિલ્મો OTT પર સારી રીતે જોવાય છે, પણ થિયેટર સુધી ખેંચી નથી શકતી. મોટી ફિલ્મો પણ પહેલા જેટલું ક્રેઝ નથી પામી રહી.
આ વર્ષે ભારતમાં જે ફિલ્મોએ વધુ દર્શકો ખેંચ્યાં છે તેમાં આંતરરાષ્ટ્રીય અને દક્ષિણ ભારતીય ફિલ્મોનો સમાવેશ થાય છે જેમ કે એફ-1, જુરાસિક વર્ડ, મિશન ઈમ્પોસિબલ, સુપરમેન અને સ્થાનિક હિટ કાંતારા ચેપ્ટર 1. હિન્દી ફિલ્મોમાં વચ્ચે વચ્ચે જ કંઈક `છાવા’ અથવા `સૈયારા’ જેવી ફિલ્મ જ મોટો જમાવડો સિનેમામાં ખેંચી શકી છે. બાકીની ફિલ્મો માત્ર યોગ્ય બજેટિંગના કારણે નફામાં ગઈ છે, ઉત્સાહથી નહીં.
લોકો થિયેટર જવાનું કેમ ટાળી રહ્યાં છે?
OTT પ્લેટફોર્મ્સે એક નવી આદત ઉભી કરી છે ઘરે બેઠા ગમે તે સમયે પોતાની અનુકુળતાએ જોઇ શકાય છે. તો પૈસા શા માટે ખર્ચવા? ખાસ કરીને મધ્યમ સ્તરની ફિલ્મો માટે આ મોટો ફટકો છે. ટ્રેડ વિશ્લેષક રમેશ બાલા કહે છે કે, હવે થિયેટર જવું મોંઘું પડી રહ્યું છે.
ચાર વ્યક્તિનાં કુટુંબ માટે એક ફિલ્મ જોવાનું ખર્ચ લગભગ રૂા.2000 જેટલો થઈ જાય છે. તેથી લોકો માત્ર મોટી ફિલ્મો માટે જ થિયેટર જાય છે. બાકી ફિલ્મો માટે OTT માફક પૂરતું આવે છે.
તેઓ કહે છે કે હવે OTT જ નહીં, પરંતુ લોકો ઈંસ્ટાગ્રામ, યુટ્યુબ અને શોર્ટ વિડિઓઝે લોકોને વ્યસ્ત રાખ્યાં છે. હવે લોકો 20 મિનિટનો વિડિઓ જોઈ આગળ વધી જાય છે.
સમય અને પૈસાનો હિસાબ પણ બદલાયો
હવે લોકો વધુ પસંદગીદાર અને સમયસચેત બની ગયાં છે. ત્રણ કલાકની ફિલ્મ માટે ચાર કલાકનો સમય ખર્ચાય છે. ટિકિટ, ખાવાનું અને અન્ય ખર્ચ મળી આખી મોજશોખ 5000-6000 સુધી પહોંચી જાય છે. એ દરેક માટે શક્ય નથી. એટલે હવે ફિલ્મ જોવી એક લક્ઝરી બની ગઈ છે, નિયમિત ટેવ નહીં.
લોકો હવે વિચાર કરે છે કે આ ફિલ્મ માટે મારા પૈસા અને સમય બગાડવા જેવા છે કે નહીં? જો ફિલ્મ ખરાબ નીકળે, તો એ સમય પાછો આવતો નથી.
મૂળ ફેરફાર શું છે?
એક સમય હતો જ્યારે સિનેમા જ લોકસંસ્કૃતિનું કેન્દ્ર હતું. આજે નવો યુગ વાર્તાઓ સેક્નડોમાં ખપાવી લે છે રીલ્સ, શોર્ટ વિડિઓઝ અને માઈક્રો શોઝે એની જગ્યા લઈ લીધી છે. થિયેટરમાં મળતો સમૂહિક આનંદ હવે એકલતા ભરેલી સ્ક્રીનિંગમાં ફેરવાઈ ગયો છે.
પોસ્ટ-કોરોના સમય પછી લોકો હવે માત્ર ફિલ્મ સાથે નહીં, પણ સુવિધા સાથે પણ સરખામણી કરે છે. હવે પ્રશ્ન ફક્ત ફિલ્મ સારી છે? નો નથી, પણ એ માટે સિનેમા સુધી જવું યોગ્ય છે? તેનો છે.
લોકો ફરી થિયેટર સુધી કેવી રીતે આવશે?
જવાબ એમાં જ છે કે સિનેમા ફરી તે જ અનુભૂતિ આપે લાર્જર ધેન લાઈફ અનુભવ અને જોડાણ, જે ફોનની સ્ક્રીન પર શક્ય નથી. ત્યાં સુધી થિયેટર લોકોને આકર્ષીત કરી શકશે પણ જુના દિવસો પાછા આવવાની શકયતા નથી. એક સમય એવો પણ આવશે કે લોકો પ્રથમ દિવસે ફિલ્મ પૈસા દઇને ઘરે જોઇ શકશે.
લોકોનો ટેસ્ટ બદલાયા છો, હવે લોકોને તેના સમયે તેની અનુકુળતાએ જ મનોરંજન માણવું છે અને આજની ફિલ્મો હવે ઘરે બેઠા ટાઇમપાસ જેવી બની છે. સિનેમા સુધી દોડવાની જરૂર નથી.

