New Delhiતા.10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી જલજીવન યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના ધડાકા બાદ કેન્દ્રીય એજન્સીએ ગુજરાત સહિતના 15 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં તપાસ શરુ કરી છે અને તેમાં હવે સીબીઆઈને પણ જોડવામાં આવે તેવી શકયતા છે. ઘરેઘરે નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવાની આ યોજનામાં ગુજરાત પણ જોડાયુ છે અને રાજયમાં પણ આ અંગે ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું અગાઉ અનેક વખત બહાર આવ્યુ હતું જેમાં 16634 ફરિયાદો મળી છે.
ઉતરપ્રદેશમાં સૌથી વધુ 14264 ફરિયાદો નોંધાઈ છે. જયારે અન્ય રાજયોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છતીસગઢ, ગુજરાત, હરિયાણા વગેરેનો સમાવેશ થાય છે. સરકારી યોજનાઓ અંગે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન સમયે 100 જેટલી ટીમોએ આ અંગે તપાસ કરી હતી.
તેમાં યોજનાના અમલીકરણ અંગેના તમામ નાણા કોન્ટ્રાકટરોને ચુકવાઈ ગયા હોવા છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી પહોંચતુ નહી હોવાના અથવા તો પાઈપલાઈન પણ નહી નંખાઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ ઉપરાંત સમગ્ર યોજનાનો ખર્ચ 14.58 ટકા જેટલો વધી ગયો હતો અને રૂા.16839 કરોડ જેવી રકમ ચુકવાઈ છે. 2024 સુધીમાં દરેક ઘરને નળ વાટે પાણીની આ યોજના 2019માં અમલી બનાવાઈ હતી અને તેમાં સરકારી સ્તરે કોન્ટ્રાકટ અપાયા હતા. ગુજરાતમાં પણ આદિવાસી સહિતના વિસ્તારોમાં આ યોજના અંગે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો બહાર આવી હતી અને તેમાં રાજય સરકાર પણ તપાસ કરી રહી છે.

