Washington, તા.10
અમેરિકામાં 40 દિવસથી વધુ સમયથી ચાલી રહેલું ગવર્નમેન્ટ શટડાઉન હવે ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના વધી રહી છે. રવિવારે યુએસ સેનેટમાં થનારા મહત્વના મતદાનથી આ ગતિરોધનો ઉકેલ આવી શકે છે.
રિપબ્લિકન નેતા સેનેટર જ્હોન થ્યુને જણાવ્યું હતું કે, “શટડાઉન સમાપ્ત કરવા માટે ડેમોક્રેટિક સભ્યો સાથે ડીલ પર વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કંઈપણ નક્કી નથી.”
ડેમોક્રેટિક પાર્ટીના નેતા ચક શૂમરના નેતૃત્વમાં ડેમોક્રેટ્સે એક પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં `અફોર્ડેબલ કેર એક્ટ’ (ઓબામાકેર) પરની સબસિડીને ઓછામાં ઓછા એક વર્ષ માટે લંબાવવાની માંગ કરવામાં આવી હતી.
શરૂઆતમાં, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, પરંતુ હવે સંકેતો મળી રહ્યા છે કે રિપબ્લિકન પાર્ટી કેટલાક મુખ્ય વિભાગો (જેમ કે વેટરન્સ અને ફૂડ એડ) માટે સંપૂર્ણ વર્ષનું ભંડોળ સુનિશ્ચિત કરવા માટે એક નાણાકીય પેકેજ પર કામ કરી રહી છે, જે શટડાઉનનો અંત લાવી શકે છે.
અમેરિકામાં સરકારનું શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ કોંગ્રેસ (સંસદ) સમયસર ફાઇનાન્સ બિલ (વિવિધ સરકારી વિભાગો અને યોજનાઓ માટે જરૂરી બજેટ) પસાર કરવામાં નિષ્ફળ જાય છે.
બજેટના અભાવે, બિન-જરૂરી સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. શટડાઉન સમાપ્ત કરવા માટે, કોંગ્રેસના બંને ગૃહોમાં `સ્પેન્ડિંગ બિલ’ અથવા `ક્નટીનુઇંગ રેઝોલ્યુશન પસાર થવું અને તેના પર રાષ્ટ્રપતિની સહી થવી આવશ્યક છે.
હાલમાં સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના 53 અને ડેમોક્રેટિક પાર્ટીના 47 સભ્યો છે. આનો અર્થ એ છે કે રિપબ્લિકન પાર્ટીને બિલ પસાર કરાવવા માટે ઓછામાં ઓછા 7 ડેમોક્રેટ અથવા અપક્ષ સાંસદોના સમર્થનની જરૂર પડશે.
આમ, શટડાઉનનો અંત લાવવા માટે યોજાનારું મતદાન નિર્ણાયક સાબિત થશે, જેમાં રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટ્સનો સાથ મેળવી શકે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

