New Delhi,તા.10
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ બ્લાસ્ટની ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક લોક નાયક સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.દિલ્હીના ફાયર વિભાગે સત્તાવાર જાણકારી આપતાં કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે કારમાં બ્લાસ્ટનો કોલ આવ્યો હતો. જે બાદ ત્રણથી ચાર અન્ય વાહનો પણ આગની લપેટમાં આવી ગયા. ફાયર વિભાગની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે.લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

