New Delhi, તા.11
નવેમ્બર મહિનાના પહેલા વીકમાં અમેરિકાથી આવેલી વધુ એક ડિપોર્ટેશન ફ્લાઈટમાં 25 જેટલા ગુજરાતી પાછા આવ્યા હોવાના અહેવાલ છે. આ મામલે સરકારે કોઈ ખુલાસો નથી કર્યો પરંતુ આ જ રિમૂવલ ફ્લાઈટમાં ઈન્ડિયા મોકલવામાં આવેલા ઉત્તર ગુજરાતના એક શખસના પરિચિતે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે આવેલી ફ્લાઈટમાં 100થી વધુ ઈન્ડિયન્સ હતા જેમાં 25 જેટલા ગુજરાતી હોવાનો અંદાજ છે.
જે ગુજરાતીઓ નવેમ્બરમાં આવેલી ફ્લાઈટમાં રિટર્ન થયા છે તેમાં બોર્ડર પરથી પકડાયેલા લોકોની સાથે-સાથે અમેરિકાની અંદરથી અરેસ્ટ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. યુએસમાં નાના-મોટા ક્રાઈમ કરતા પકડાયેલા લોકોને પણ હાલ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અસાયલમનો કેસ કર્યો હોય તેવા લોકોનો પણ સમાવેશ થાય છે.
હાલ જે રિમૂવલ ફ્લાઈટ્સ ઈન્ડિયા મોકલવામાં આવી રહી છે તેમાં 100થી 200 જેટલા પેસેન્જર્સ હોય છે, આ તમામ લોકોને હાથ-પગમાં સાંકળ બાંધીને જ પ્લેનમાં ચઢાવવામાં આવતા હોય છે અને લેન્ડિંગની તૈયારી હોય તે પહેલા સાંકળો ખોલવામાં આવે છે.
રિમૂવલ ફ્લાઈટમાં પાછાં આવેલાં ઈન્ડિયન્સનું માનીએ તો આખી ફ્લાઈટ દરમિયાન સેન્ડવિચ સિવાય બીજું કંઈ જમવાનું પણ ભાગ્યે જ આપવામાં આવતું હોય છે અને વોશરૂમ જવું હોય ત્યારે જ સાંકળો ખોલવામાં આવે છે.
અમેરિકાએ ચાલુ વર્ષે ઓક્ટોબર 2025 સુધીમાં 2,790 ઈન્ડિયન્સને ડિપોર્ટ કર્યા છે. જેમાં 20થી25 ટકા ગુજરાતીઓ હોવાની શક્યતા છે જ્યારે સૌથી વધુ સંખ્યા હરિયાણા અને પંજાબના લોકોની હોય છે.
અગાઉ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા કયા સ્ટેટસના કેટલા લોકોને પાછા મોકલાયા છે તેનો ડેટા આપતી હતી પરંતુ ઘણા મહિનાથી માત્ર કુલ સંખ્યા જ જણાવાઈ રહી છે. આખેઆખી ડિપોર્ટેશન ફ્લાઈટ્સની સાાથે-સાથે એકલ-દોકલ લોકોને પણ લગભગ રોજેરોજ ઈન્ડિયા પાછા મોકલાતા હોય તેવી સ્થિતિ છે.

