Ahmedabad,તા.10
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) સમક્ષ અમદાવાદના સાઉથ બોપલ ખાતે આવેલા “શાયપ્રમ” પ્રોજેક્ટની સોસાયટી દ્વારા બિલ્ડર વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદનો અંશતઃ સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરેરાએ બિલ્ડર ઇન્ફ્રા અને અન્ય પક્ષકારોને પ્રોજેક્ટના કોમન એરિયામાં દેખાયેલી તિરાડો અને લિકેજની સમસ્યાનું 60 દિવસમાં નિરાકરણ લાવવાનો હુકમ કર્યો છે.
શાયપ્રમ કો.ઓ.હા.સર્વિસ સોસાયટી લી. દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં બિલ્ડર પર ઘણા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સોસાયટીની મુખ્ય દલીલોમાં બ્રોશરમાં દર્શાવ્યા મુજબની સુવિધાઓ આપવામાં આવી નથી. બાંધકામની ગુણવત્તા નબળી છે, અને ફોયર એરિયામાં પાણીના સીપેજની સમસ્યા છે.
બિલ્ડરે રેસીડેન્સીયલ અને કોમર્શિયલ યુનિટ માટે અલગ-અલગ સોસાયટી રજીસ્ટર કરી આપવાનો વાયદો કર્યો હતો, જે પાળવામાં આવ્યો નથી.આ ઉપરાંત, પ્રોજેક્ટમાં વોટર લિકેજ, ફાયર સિસ્ટમનું યોગ્ય રીતે કામ ન કરવું, નબળું ઇલેક્ટ્રિક વાયરિંગ અને એન્ટ્રી ગેટ તથા RCC રોડમાં તિરાડો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.
સામા પક્ષે બિલ્ડર (અક્ષર ઇન્ફ્રા) એ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. બિલ્ડરની મુખ્ય દલીલોમાં બધી સુવિધાઓ આપવામાં આવી છે. બ્રોશરની તસવીરો માત્ર “આર્ટિસ્ટિક ઇમ્પ્રેશન” હોય છે.ઓથોરિટીએ બિલ્ડરની દલીલ સ્વીકારી.
ગુજરેરાએ નોંધ્યું કે બ્રોશર મુજબ સુવિધાઓ આપવામાં આવેલ છે અને ફોટોગ્રાફ્સમાં દેખાતો સામાન્ય ફેરફાર સ્વાભાવિક છે. આ મુદ્દે સોસાયટીની ફરિયાદ નકારવામાં આવી હતી. આ મુદ્દે ઓથોરિટીએ સોસાયટીની ફરિયાદને અંશતઃ ગ્રાહ્ય રાખી હતી.
રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ જણાયું કે, “વે ટુ બેઝમેન્ટ વોલ”માં સામાન્ય તિરાડો છે , અમુક જગ્યાએ ભેજને કારણે પોપડી પડી ગઈ છે , અને બેઝમેન્ટમાં પણ લિકેજનો પ્રોબ્લેમ છે. આ ખામીઓ સુધારવાની જવાબદારી બિલ્ડરની બને છે.
ગુજરેરાએ આ કેસમાં ફરિયાદને અંશતઃ મંજૂર કરી અને બિલ્ડરને આદેશ આપ્યો કે, હુકમની નકલ મળ્યાના 60 દિવસની અંદર બેઝમેન્ટ તરફ જતી દીવાલમાં પડેલી તિરાડો, ભેજને કારણે પોપડી ખરી ગયેલ ભાગો, અને બેઝમેન્ટ સહિત કોમન એરિયામાં જ્યાં પણ લિકેજની સમસ્યા હોય, તે તમામનું સંપૂર્ણ રીપેરીંગ કામ કરી આપવું.

