Rajkot, તા. 10
રાજકોટ શહેરમાં દિવાળી બાદ હાલના મુજબ રોગચાળાએ માથુ ઉંચકેલુ છે. કમોસમી વરસાદ બાદ મચ્છરજન્ય સાથે પાણી અને ખોરાકજન્ય રોગચાળો પણ વધતો દેખાય છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના ચાર કેસ નવા આવ્યા છે તો ટાઇફોઇડ, કમળાના કેસ પણ વધતા દેખાય છે.
એક સપ્તાહમાં કુલ દર્દીઓનો આંકડો 1704 પર પહોંચ્યો છે. બીજી તરફ મચ્છર ઉત્પત્તિમાં બેદરકારી બદલ મેલેરીયા શાખાએ 484 આસામીઓને દંડ કર્યો છે.
મહાપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તા.3-11 થી 9-11 સુધીના અઠવાડિયામાં મેલેરીયા કે ચીકનગુનીયાનો કોઇ નવો કેસ આવ્યો નથી પરંતુ ડેંગ્યુના ફરી ચાર નવા કેસ નોંધાયા છે. ચાલુ ર0રપના વર્ષમાં ડેંગ્યુના કુલ દર્દીઓનો આંકડો 64 પર પહોંચ્યો છે.
આ સિવાય શરદી-ઉધરસના 807 અને સામાન્ય તાવના 717 દર્દીની નોંધ થઇ છે. ખોરાક અને પાણીજન્ય રોગચાળાની ચિંતા વચ્ચે ઝાડા-ઉલ્ટીના 169, ટાઇફોઇડ તાવના 2 અને કમળો તાવના પાંચ દર્દી ચોપડા પર ચડયા છે. દિવાળી બાદ મેેલેરીયા સહિતના મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા સઘન ચેકીંગ કાર્યવાહી પણ આગળ વધારવામાં આવી છે.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી ચાલુ છે. જેમાં 509 સ્થળે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરીને રહેણાંકમાં 319 અને કોર્મશીયલ 165 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
જ્યારે 30 આસામી પાસેથી રૂા.28750નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહમાં 35659 ઘરોમાં પોરાનાશક અને 1289 ઘરોમાં ફોગીંગ કરવામા આવ્યા હતા. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

