New Delhi,તા.11
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના પ્રવાસ દરમિયાન સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી છે.
પીએમ મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઇકાલે હું રાતે દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓના લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરાં પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.’પીએમ મોદીએ કહ્યું કે, ‘આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, તે બધાના દુઃખમાં સમગ્ર દેશ સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલદી સાજા થાય તેવી કામના વ્યક્ત કરી. આ સાથે જ, સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને પૂરી સૂચના આપવામાં આવી છે કે તેઓ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.આજનો દિવસ ભુતાન માટે અને ભુતાનના રાજ પરિવાર માટે તથા વિશ્વ શાંતિમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. સદીઓથી ભારત અને ભુતાન વચ્ચે ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા હતા. એટલા માટે આ મહત્ત્વપૂર્ણ અવસરે સામેલ થવું ભારત અને મારી કમિટમેન્ટ હતી.
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ભુતાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ મળીને 1020 મેગાવોટની પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત-ભુતાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે છે જ્યારે ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષોને ભુતાનમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. ત્યારે પીએમ મોદી થિમ્ફુના તાશીછોજોગ મઠમાં જઈને આ પવિત્ર અવશેષોના દર્શન કરશે અને પૂજા કરશે. આ સાથે, તેઓ ભુતાનની રૉયલ સરકારે આયોજિત કરેલા વિશ્વ શાંતિ પ્રાર્થના સમારોહ (ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ)માં પણ ભાગ લેશે.

