Mumbai,તા.11
આગામી IPL સીઝન પહેલાં સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની સંભવિત ‘સ્વેપ ડીલ’ને લઈને ક્રિકેટ જગતમાં ગરમાવો છે. આ અટકળો વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને દાવો કર્યો છે કે, ‘જો સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં જાય તો પણ તે ટીમનો કેપ્ટન બનશે નહીં.’
અહેવાલ અનુસાર, પાંચ વખતની ચેમ્પિયન CSK અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે આ બે દિગ્ગજ ખેલાડીઓને લઈને ટ્રાન્સફર ડીલ લગભગ અંતિમ તબક્કામાં છે, જે 15 નવેમ્બરની રિટેન્શન ડેડલાઇન પહેલા પૂર્ણ થઈ શકે છે.
ચેન્નઈ સુપર કિંગ્સ સેમસનને ખરીદવા માટે રવિન્દ્ર જાડેજા અને અન્ય એક ખેલાડીને રિલીઝ કરવા તૈયાર હોવાનું કહેવાય છે. સંજુ સેમસન વર્ષ 2021થી 2025 દરમિયાન 67 મેચમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને તે વિકેટકીપર-બેટર CSK માં જોડાવા માટે રસ ધરાવે છે. જો કે, રવિચંદ્રન અશ્વિને સેમસનની કેપ્ટનશીપની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું કે, ‘મને નથી લાગતું કે સંજુ સેમસનને કેપ્ટનશીપ મળશે કારણ કે આ તેની પહેલી સીઝન હશે. કોઈ ખેલાડીને તેના પહેલા વર્ષમાં કેપ્ટનશીપ આપવી યોગ્ય લાગતી નથી. રુતુરાજ ગાયકવાડ કેપ્ટન રહેશે. પરંતુ જો આ ડીલ થશે તો સેમસન ચોક્કસપણે ભવિષ્ય માટે એક સારો વિકલ્પ બનશે.’
બીજી તરફ રવિન્દ્ર જાડેજા વર્ષ 2012થી 2025 દરમિયાન CSK માટે 186 મેચ રમી ચૂક્યા છે અને એમએસ ધોની (248 મેચ) પછી ફ્રેન્ચાઇઝી માટે બીજા ક્રમે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. અશ્વિને દાવો કર્યો કે, ‘જો જાડેજા રાજસ્થાન રોયલ્સ સાથે જોડાય છે, તો તે ટીમ માટે મોટો ફાયદો સાબિત થશે.’
ફિનિશરની ભૂમિકા અંગે અશ્વિને કહ્યું કે, ‘રાજસ્થાન રોયલ્સ લાંબા સમયથી એક વિશ્વસનીય ફિનિશર શોધી રહ્યું છે જે શિમરોન હેટમાયર પરથી દબાણ દૂર કરી શકે. રવિન્દ્ર જાડેજા હજુ પણ શ્રેષ્ઠ ફિનિશરોમાંનો એક છે. તે 190ના સ્ટ્રાઇક રેટથી રમી રહ્યો નથી, પરંતુ ડેથ ઓવરોમાં ઝડપી બોલરો સામે તેનો સ્ટ્રાઇક રેટ 150થી ઉપર છે.”રવિચંદ્રન અશ્વિને ઉમેર્યું કે, ‘જાડેજા 16મી ઓવર પછી ફિનિશિંગની ભૂમિકા ભજવી રહ્યો છે અને ઝડપી બોલરો સામે તેની સરેરાશ 50ની આસપાસ છે, જે તેની અસરકારકતા દર્શાવે છે. આ સંભવિત ટ્રાન્સફર જો સાકાર થશે તો IPLની બંને ટીમોના સંતુલનમાં મોટો ફેરફાર લાવશે.’

