Mumbai,તા.11
ગૌતમ ગંભીરના કોચિંગમાં ઘણા એવા નિર્ણયો લેવાયા છે જે સમજણ બહાર રહ્યા છે. આમાંથી એક ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાંથી અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ જેવા મુખ્ય ખેલાડીઓને બહાર રાખવા. કુલદીપ યાદવને ઘણી વાર ટેસ્ટ ટીમમાં પણ સ્થાન નથી મળ્યું. હવે આ મુદ્દે પોતાનું મૌન તોડતા ભારતીય હેડ કોચે જવાબ આપ્યો છે. BCCI દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં ગૌતમ ગંભીર કહી રહ્યો છે કે કોચ તરીકે મારા માટે આ જ સૌથી મુશ્કેલ કાર્ય છે. ગંભીરે કહ્યું કે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ ઘણી સારી છે, પરંતુ અંતે તો માત્ર 11 ખેલાડીઓને જ તક આપી શકાય છે.
ગંભીરે કહ્યું કે, ‘એક કોચ તરીકે મારા માટે આ જ સૌથી મુશ્કેલ કામ છે. ક્યારેક-ક્યારેક જ્યારે મને ખબર હોય છે કે, બેન્ચ પર ઘણા સારા ખેલાડીઓ બેઠા છે અને હું જાણું છું કે દરેક ખેલાડી પ્લેઈંગ ઇલેવનનો હિસ્સો બનવાને લાયક છે, પરંતુ તેમ છતાં તમે માત્ર 11 ખેલાડીઓને જ પસંદ કરી શકો છો, એવું વિચારીને કે તે દિવસે કામ કરવા માટે શ્રેષ્ઠ સંયોજન શું હશે.’
ગંભીરે આગળ કહ્યું કે, ‘પરંતુ મારા માટે સૌથી મહત્વપૂર્ણ વાત સંવાદ અને વાતચીત છે. સંવાદ ખૂબ જ સ્પષ્ટ અને પ્રામાણિક હોવો જોઈએ. ક્યારેક આ વાતચીત ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે એક ખેલાડીને કહો છો કે, તું નથી રમી રહ્યો, તો તે કદાચ કોચ અને ખેલાડી બંને માટે સૌથી મુશ્કેલ વાતચીત હોય છે, કારણ કે હું જાણું છું કે ખેલાડી ત્યારે નારાજ થશે જ્યારે તે પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બનવાનો હકદાર હશે.’
ગંભીરે ભારતીય ડ્રેસિંગ રૂમની અંદર સકારાત્મક અને પારદર્શી માહોલ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે, ખેલાડીઓ અને કોચ વચ્ચેની વાતચીત પ્રાઈવેટ જ રહેવી જોઈએ. પરંતુ જો તમે પ્રામાણિક છો, જો તમે સ્પષ્ટવાદી છો, જો તમને ખબર હોય કે તમે જે કહી રહ્યા છો તે હૃદયથી છે અને તેનાથી આગળ કંઈ નથી તો કેટલાક ખેલાડીઓ સમજી જાય છે. આ એક ખેલાડી અને કોચ વચ્ચેની વાતચીત છે. લોકો તેના વિશે અવાજ ઉઠાવે અને વિવિધ ધારણાઓ બનાવે તેના બદલે આ વાત ત્યાં જ રહેવી જોઈએ. અને આ કંઈક એવું છે જે આ જૂથ અને સપોર્ટ સ્ટાફે શાનદાર રીતે કર્યું છે, કારણ કે તે ખૂબ જ પારદર્શક ડ્રેસિંગ રૂમ, એક પ્રામાણિક ડ્રેસિંગ રૂમ રહ્યો છે અને અમે પણ તે જ ઈચ્છીએ છીએ.

