Mumbai,તા.11
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગાંગુલીનું માનવું છે કે શમી સંપૂર્ણ રીતે ફિટ છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ હાલમાં 35 વર્ષીય આ અનુભવી ફાસ્ટ બોલરને ફરી એન્ટ્રી આપે તેવું લાગતું નથી. શમીને દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટેની ટીમમાં જગ્યા મળી નથી. તેણે છેલ્લે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી મેચ રમી હતી.
સૌરવ ગાંગુલીએ શમીના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, “શમી અત્યારે બહુ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તે ફિટ છે અને અમે જોયું કે તેણે રણજી ટ્રોફીની ત્રણ મેચોમાં બંગાળને એકલા હાથે જીતાડ્યું છે.”ગાંગુલીએ વધુમાં કહ્યું, ‘મને ખાતરી છે કે, સિલેક્ટર્સ તેના પર નજર રાખી રહ્યા હશે અને તેમની વચ્ચે વાતચીત પણ હશે. જો ફિટનેસ અને કૌશલ્યની વાત કરીએ તો શમી એ જ જૂનો શમી છે. મને નથી લાગતું કે તે ટેસ્ટ, વન-ડે અને ટી20, ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ન રમી શકે તેવું કોઈ કારણ હોય.”

