Mumbai,તા.11
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આગામી ODI સીરિઝમાં રમે તેવી શક્યતા ઓછી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝ દરમિયાન ફિલ્ડિંગમાં થયેલી ગંભીર ઈજાને કારણે BCCI અને પસંદગી સમિતિ બંને તેમની વાપસી અંગે કોઈ ઉતાવળ કરવા માંગતા નથી.
શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (26 ઓક્ટોબર) મેચ દરમિયાન ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન શ્રેયસને ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) થવાને કારણે તેમને તાત્કાલિક સિડનીની એક હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવા પડ્યા હતા. જોકે, સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, શ્રેયસ ઐયર 30મી નવેમ્બરથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા ODI સીરિઝમાં રમે તેવી સંભાવના નહિવત્ છે. બેટર શ્રેયસ ઐયરને સંપૂર્ણપણે ફિટ થવામાં સમય લાગશે અને બોર્ડ તેમજ પસંદગી સમિતિ તેની વાપસી સાથે કોઈ જોખમ લેવા માંગતું નથી.શ્રેયસ ઐયરને ભારતની ODI ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમના સૌથી સફળ બેટરોમાંના એક હતા. તેમની સંપૂર્ણ ફિટનેસ આગામી મોટા ટૂર્નામેન્ટો માટે નિર્ણાયક છે. આ સંજોગોમાં, ભારતીય ટીમ મેનેજમેન્ટ શ્રેયસને સંપૂર્ણ ફિટનેસ અને આરામ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

