New Delhi તા.11
નિઠારી કાંડના સૌથી ચર્ચિત આરોપી સુરેન્દ્ર કોલીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કર્વેટિવ પિટિશનનો સ્વીકાર કરતા તેની અંતિમ સજા રદ કરી દીધી અને તેને સંપૂર્ણ રીતે દોષ મુક્ત જાહેર કરી દીધો છે. આ કેસ 2005-2007 વચ્ચે નોઇડાના નિઠારી વિસ્તારમાં બાળકીઓની સામૂહિક હત્યા સાથે જોડાયેલો છે, જેણે આખા દેશને ચોંકાવી દીધો હતો.
સુરેન્દ્ર કોલી પર કુલ 13 મામલે કેસ ચાલી રહ્યા હતા. જેમાંથી 12 કેસમાં તે પહેલા જ અલ્લાહાબાદ હાઇકોર્ટમાંથી મુક્તિ મેળવી ચૂક્યો છે. જો કે, એક કેસમાં તેની સજા યથાવત્ હતી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે, એક જ પુરાવા અને તથ્યના આધારે 12 કેસમાં મુક્ત થઈ ચુકેલા આરોપીને એક કેસમાં સજા આપવી ન્યાયની વિરૂદ્ધમાં છે.
સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોલીને 15 વર્ષીય બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં સામે આવેલા પુરાવાને નબળા માનીને કહ્યું કે, ગુનો સિદ્ધ નથી થઈ શક્યો. કોર્ટે તેને કોઈ અન્ય કેસમાં કેદ ન હોય તો તેને તુરંત મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, સુરેન્દ્ર કોલી લગભગ 19 વર્ષથી જેલમાં છે. તેની કર્વેટિવ પિટિશનની સુનાવણી જાહેર અદાલતમાં થઈ, જે ઘણાં કિસ્સામાં ભાગ્યે જ જોવા મળે છે. આ ચુકાદાથી નિઠારી કેસમાં તેની સામેના અંતિમ કેસનો અંત આવ્યો. કોર્ટે જણાવ્યું કે, કર્વેટિવ પિટિશન એ સિસ્ટમમાં થયેલી ભૂલ સુધારવા અને ન્યાય સુનિશ્ચિત કરવાની છેલ્લી તક છે.
નિઠારી હત્યાકાંડ 29 ડિસેમ્બર, 2006ના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે નોઇડામાં ઉદ્યોગપતિ મોનિન્દર સિંહ પંઢેરના ઘરની પાછળની ગટરમાંથી આઠ બાળકોના હાડપિંજરના અવશેષો મળી આવ્યા હતા. કોળી પંઢેરના ઘરે નોકર તરીકે કામ કરતો હતો. વધુ તપાસમાં પંઢેરના ઘરની આસપાસથી વધુ હાડપિંજર મળી આવ્યા હતા.
જેમાંથી મોટાભાગના ગરીબ બાળકો અને યુવતીઓના હતા જેઓ વિસ્તારમાંથી ગુમ થઈ ગયા હતા. પંઢેર અને કોળી પર બાળકો અને મહિલાઓનું અપહરણ, બળાત્કાર, નરભક્ષણ અને મૃતદેહોને ગટરમાં ફેંકવાના આરોપો લાગ્યા હતા.

