Tamil Nadu,તા.11
તમિલનાડુમાં રસોઈ ગેસના બાટલા ભરેલી ટ્રક પલટી ગયા બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે બની હતી. ટ્રક તિરુચિરાપલ્લીથી અરિયાલુર જઈ રહી હતી એ દરમિયાન વારણવાસી પહોંચતા જ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી.
આગ લાગતાં એક સાથે અનેક સિલિન્ડરોના વિસ્ફોટથી નજીકના ગામમાં ગભરાટ ફેલાયો હતો. સિલિન્ડરો ફૂટવાનો અવાજ લગભગ 2 કિલોમીટરના ઘેરાવામાં સંભળાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘાયલ ડ્રાઈવર, કનાગરાજ (35), ને અરિયાલુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તારણો દર્શાવે છે કે ટ્રક ડ્રાઈવરે વળાંક પર કાબુ ગુમાવતા ટ્રક પલટીને રસ્તાની નજીક એક નાળામાં પડી. ડ્રાઈવર કનાગરાજ ટ્રકમાંથી કૂદી ગયો આ દરમિયાન ઘાયલ થયો હતો.
વિસ્ફોટ બાદ ટ્રક સંપૂર્ણપણે બળી ગઈ હતી. તંજાવુર અને ત્રિચી જેવા મુખ્ય કેન્દ્રોથી અરિયાલુર જનારા તમામ વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અરિયાલુર જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચ્યા છે.

