Rajkot,તા.11
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.
પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી બીજી ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે.
14મી એ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યઓ સહિતના અગ્રણીઓ ટ્રેનમાં બેસી રાજકોટથી પોરબંદર સુધી મુસાફરી કરશે.અનેક રેલ્વે સ્ટેશનો પર વિવિધ મંડળો, સંગઠનો આગેવાનો સ્વાગત કરશે.
કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે. આર્થિક ગતિ વિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે.

