Rajkot, તા.11
ભગવતીપરાની સુખસાગર સોસાયટીમાં પરિણિતા જ્યોતિ વાઘેલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પહેલા પરિવારે બેભાન હાલતમાં મોતનું કહ્યું હતું. પણ બાદમાં પોલીસ તપાસમાં આત્મહત્યાનો ખુલાસો થયો હતો. આત્મહત્યા પાછળ ઘરકંકાસ કારણભૂત હોવાનું અનુમાન છે, જોકે પોલીસે તપાસ યથાવત રાખી છે.
મળતી માહિતી મુજબ, જ્યોતિબેન વિશાલભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 35, રહે. ભગવતીપરા સુખસાગર શેરી નંબર 2) આજે સવારે 6:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, જ્યોતિના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા.
તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. પતિ સફાઈ કામ કરે છે. આજે સવારે તેમનો પુત્ર ઊઠી જતા તેણે જોયું કે તેમની માતા ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકે છે. આ જોઈ પુત્રએ તુરંત પિતાને જગાડેલ. પતિ વિશાલે જ્યોતિને આ હાલતમાં જોઈ સીધી તેને નીચે ઉતારી લીધી હતી.
આ તરફ ઘરના બીજા સભ્યો પણ આવી ગયા હતા. જ્યોતિને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ, એ. જી. મકવાણા, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમાર, રાઇટર ધર્મેન્દ્રભાઈ હુદળ, પ્રતાપભાઈ, રવિભાઈ વગેરેએ નોંધ કરી બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
જ્યાંથી હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ મકવાણા અને રાઇટર દેવેન્દ્રસિંહ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પહેલા પરિવારજનોએ જણાવેલ કે, જ્યોતિ ઘરમાં બેભાન થઈ ગઈ હતી. પણ પોલીસે પૂછપરછ તપાસ કરતા જ્યોતિએ ગળાફાંસો ખાઈ લીધાનો પતિએ જ ખુલાસો કર્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે આપઘાતનું સ્પષ્ટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

