Ahmedabad,તા.13
ગુજરાત હાઇકોર્ટએ દોઢ વર્ષની નિર્દોષ દીકરીની હત્યા કરનાર પિતાની જામીન અરજી ફગાવી દીધી છે. આરોપીએ પોતાની જ દીકરીને બીજાની હોવાનું માન્ય રાખીને તેની હત્યા કરી નાખી હતી.
આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. આ મામલામાં આરોપી પિતાએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. દરમિયાન, ફરિયાદી માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જો કોર્ટ ઇચ્છે તો આરોપીને જામીન આપે, તેમને તેમાં કોઈ વાંધો નથી. પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ફરિયાદીને વાંધો ન હોય એ પૂરતું નથી, અમને વાંધો છે, અને જામીન અરજી ફગાવી દીધી.
ન્યાયાધીશે નોંધ્યું કે આરોપીએ જે ગુનો કર્યો છે તે અત્યંત ક્રૂર અને માનવતા વિરુદ્ધ છે. બાળકી નિર્દોષ હતી, છતાં પિતાએ પોતાના મનગમતા ભ્રમમાં આવી તેની હત્યા કરી નાખી, જે અતિ ગંભીર ગુનો છે.
કોર્ટએ જણાવ્યું કે આવા કેસોમાં સમાજમાં ખોટો સંદેશ ન જાય તે જરૂરી છે. તેથી આરોપીને હાલ જામીન પર મુક્ત કરવો યોગ્ય નહીં ગણાય. મામલાની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. છતાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટએ સ્પષ્ટ કર્યું કે આરોપીને જામીન આપવાનો કોઈ યોગ્ય કારણ નથી.
આ નિર્ણય બાદ ફરી એકવાર કોર્ટએ એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓ અને બાળકો સામે હિંસા કરનારાઓને કોઈ પ્રકારની સહાનુભૂતિ મળશે નહીં.

