Ahmedabad, તા.13
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટને ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઈ-નોટરી સિસ્ટમ વિકસાવવા માટે નોટરી પોર્ટલને લોન્ચ કરી, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીના હિતને, તેની સરળતાને ઈઝ ઓફ લિવિંગના કેન્દ્રસ્થાને રાખી છે.
તેમણે દરેક ભરતી પ્રક્રિયા કે યોજનાઓના લાભ વિતરણમાં પારદર્શિતા સાથે મેક્સિમમ ગવર્નન્સ મિનીમમ ગવર્નમેન્ટનો શાસન મંત્ર અપનાવ્યો છે. ગુજરાતના કાયદા જગતમાં આજે એ જ મંત્રને સાકાર કરતો અવસર છે. કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન મહત્ત્વનો પાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાના શાસન માટે સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનંવ ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે અંગે્રજોના સમયના બિનજરૂરી કાયદાઓ રદ કરી કાનૂની પ્રક્રિયા સરળ
બનાવી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં “જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન” મંત્ર સાકાર થઈ રહ્યો છે. ત્રિપલ તલાક, કલમ 370ની નાબૂદી અને ભારતીય ન્યાય સંહિતાનો સુચારું અમલ તેમના માર્ગદર્શનમાં પાર પડ્યો છે. કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવા માટે નોટરી તરીકેની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.
કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટીસિટીનું દાયિત્વ નોટરીના શિરે છે. નોટરી દ્વારા નોટરાઈઝ કરેલા દસ્તાવેજોને કાયદાકીય માન્યતા મળે છે તેમજ કોર્ટ અને અન્ય જગ્યાઓ પર આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઈઝ ઓફ ડુઈંગ પણ વધે છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત નોટરી તરીકે પસંદગી થયેલા એડવોકેટને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં 1,500થી વધારે વકીલોને નોટરી બનાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2,900 નોટરીની જગ્યાઓ સામે આ જગ્યાઓમાં બમણાથી વધુનો વધારો કરીને આજે 6,000 કરવામાં આવી છે,
જેનાથી ભવિષ્યમાં મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે. આજે નોટરી માટેનું ઈ-પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ ઈ-પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોના સમયની બચત થશે. અસીલના હિત સાથે સમાજના હિતનું પણ ધ્યાન રાખી, ઝડપી ન્યાય માટે સહકાર આપવા નાયબ મુખ્યમંત્રીએ વકીલોને અપીલ કરી હતી.
વધુમાં નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યા અટકાવવા તેમજ ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યા તે એક ઐતિહાસિક નિર્ણય હતો. આ કાયદાના અમલથી ગઈ કાલે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો. અમરેલીમાં ગૌહત્યા કરનારને આ કાયદા હેઠળ આજીવન કેદની સજા થઈ છે.
જે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે લાવેલા કડક કાયદાનું પરિણામ છે. ગુજરાતમાં પોક્સો કેસોમાં 24 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરવાની સફળતા મળી છે. એક મહિનામાં 15થી વધુ કેસોમાં ચાર્જશીટ થઈ, જેમાં ઘણાને ફાંસી તથા આજીવન કેદની સજા થઈ છે.કાર્યક્રમમાં સ્વાગત ઉદબોધન પ્રસંગે બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલે કહ્યું હતું કે, દેશમાં બાર કાઉન્સિલને સહાય કરવાનો પ્રારંભ ગુજરાતમાં 2010માં પ્રધાનમંત્રી મોદીએ રૂ.2 કરોડ 23 લાખની ગ્રાન્ટ આપીને, ઇ-લાઈબે્રરીની સુવિધા થકી કર્યો હતો.
જેમાં આગળ વધી હાલ સુધીમાં ગુજરાત સરકારે બાર કાઉન્સિલને વિવિધ કામગીરી માટે 28 કરોડ જેટલી માતબર રકમની સહાય આપી છે. વળી, હાલમાં જ કેન્દ્ર સરકારે 8,086 વકીલોને નોટરીની ઉપાધિથી નવાજ્યા હતા , જ્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ 1500 વકીલોને નોટરી પ્રમાણપત્ર આપવાથી રાજ્યમાં, કુલ 9,500 જેટલા વકીલો ગુજરાતના નોટરી તરીકે નિયુક્ત થયા છે. જેની સીધી અસર જનતાના કાર્યોમાં સરળતાથી જોવા મળી રહી છે.
આજે દરેક ગામમાં નોટરી જનસેવા માટે ઉપલબ્ધ છે. આ સમારોહમાં મુખ્ય સચિવ મનોજ દાસ, સંયુક્ત સચિવ એચ.એસ વર્મા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી,લો-યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નીતિન મલિક, ઉપરાંત બહોળી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરાયું
મુખ્યમંત્રીએ નોટરી પોર્ટલ લોંચ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં શરૂ થયેલું નોટરી પોર્ટલ વડાપ્રધાનના ડિજિટલ ભારતના સ્વપનને સાકાર કરતું વધુ એક કદમ છે. નવા પોર્ટલના પરિણામે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. સર્વને સમાન અને ન્યાયી તક પણ મળશે. દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીના સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે.
જેથી નોટરીની સેવા લેવા માટેના સમય અને શક્તિની બચતથી કાર્યક્ષમતા વધશે. નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સુરક્ષિત અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ જાળવવામાં પણ મદદ મળશે. નોટરીની તમામ કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઈઝેશન થતા કાગળોનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું રક્ષણ થશે. જેનાથી પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને વેગ મળશે.

