Ahmedabad તા.13
ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા હતા.
જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું.’
કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે સીધા જ વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા હતા. સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘કડીને 50 વર્ષથી ઓળખું છું, કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર છે.’ તેમણે કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું, ‘મને છેતરતા નહીં, એમને છેતરજો.’
તેમણે ગ્રાન્ટ અને ભ્રષ્ટાચારનો ઈશારો કરતાં કહ્યું હતું કે, ‘અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી. સાચું કામ કરો તો ઠીક… બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે, કહીને તેમણે પોતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી.’પૂર્વ નાયબ મુખ્યમંત્રી અહીં જ અટક્યા ન હતા. તેમણે મંત્રીઓના રાજીનામા અને મંત્રીમંડળ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘હમણાં બે ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા. એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું હોઈ શકે… એટલે એમને (મને) મંત્રી મંડળમાં ના લીધા. હુંબોલું છું તો ઘણાને ગમતું નથી, મારે તો બે બાજુ તકલીફ છે. તેમણે કડીના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે, કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.

