Jamnagar તા.13
ચેક રીટર્નનો ગુનો હળવો છે તેમ માની શકાય નહી” આરોપીને જેલસજા અને ચેકની રકમ ફરીયાદીને ચૂકવી આપવાનો ટ્રાયલ કોર્ટનો હુકમ યથાવત રાખતો જામનગરની એપેલન્ટ કોર્ટના જજ વી.પી.અગ્રવાલનો મહત્વનો ચુકાદો આપ્યો હતો.
આ કેસની હકીકત એ પ્રકારે છે કે જામનગરના સોની વેપારી જેન્તીભાઈ વેલજીભાઈ ભીડીને ધંધામાં નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા તેમણે ફરીયાદી ભાવેશભાઈ કાંતીભાઈ ફલીયા પાસેથી મિત્રતા સંબંધના દાવે રૂા. 50,000/- હાથ ઉછીના લીધેલ હતા અને તે રકમ તેઓ પરત ચુકવી આપશે તેવી ખાત્રી આપી હતી અને સીક્યુરીટી પેટે તેમણે ફરીયાદીને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, જામનગર શાખાનો રૂા. 50,000/- ચેક આપેલ હતો.
આ કામના ફરીયાદીએ સોની વેપારી જેન્તીલાલ વેલજીભાઈ ભીડીને ઉછીના લીધેલ નાણા પરત આપવા અનેક વખત જણાવેલ હતુ પરંતુ તેઓ ટુંક સમયમાં ચુકવી આપશે તેવા ખોટા બહાનાઓ બનાવ્યા રાખતા હતા છેવટે સોની વેપારી જેન્તીભાઈ વેલજીભાઈ ભીંડીએ તેમણે ફીરયાદીને આપેલ રૂા. 50,000/- નો ચેક તેમના ખાતામાં નાખી કલીયર કરાવવાનું જણાવેલ આથી ફરીયાદી ભાવેશભાઈ કાંતીભાઈ ફલીયાએ તેમના ધી નવાનગર કો.ઓ.બેંક, દિ.પ્લોટ, શાખાનો ચેક નાખતા તે ચેક તા. 29/8/19 ના રોજ ફંડ અનસફીશીયન્ટના શેરા સાથે પરત આવેલ જેથી આ કામના ફરીયાદીએ સોની વેપારી જેન્તીભાઈ વેલજીભાઈ ભીડીને ચેક રીર્ટન અંગે જાણ કરતા તેઓ પાસે હાલ કોઈ રકમ ન હોય અને તેમણે જે કાંઈ કાયદાકીય પ્રોસીજર કરવી હોય તે કરવા જણાવેલ હતું.
જેથી ભાવેશ કાંતીભાઈ ફલીયાએ એડવોકેટ મારફત લીગલ નોટીસ આપેલ હતી, જે નોટીસ જેન્તીભાઈ વેલજીભાઈ ભીંડીને મળી જવા છતા તેમણે ફરીયાદીને રૂા. 50,000/- ચુકવેલ ન હતા, આથી ફરીયાદી ભાવેશ કાંતીભાઈ ફલીયા ધ્વારા જામનગરની કોર્ટમાં ધી નેગો. ઈન્સ્ટ્રુ, એકટ કલમ-138 અન્વયેની ફોજદારી ફરીયાદ 8855/19 થી દાખલ કરવામાં આવેલ હતી જેમાં નામ.કોર્ટે સોની વેપારી જેન્તીભાઈ વેલજીભાઈ ભીડીને નોટીસ કરતા તેઓ તેમના વકીલ મારફત હાજર થયેલ હતા અને કેસ ખોટો હોવાનું અને તેઓએ કોઈ રકમ ફરીયાદી ભાવેશભાઈ કાંતીભાઈ ફલીયા પાસેથી ઉછીની મેળવેલ ન હોવાનો ઈન્કાર કરેલ હતો, આમ ફરીયાદીએ કોર્ટમાં સોની વેપારીને રૂા.50,000/- ઉછીના આપેલ હોવા અંગેના લેખીત દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ કરેલ અને સોગંદપર જુબાની પણ આપેલ હતી.
જયારે આ કામના આરોપી સોની વેપારી જેન્તીભાઈ વેલજીભાઈ ભીંડી ધ્વારા રકમ ચુકતે કર્યા અંગેના કોઈ આધાર પુરાવાઓ રજુ કરેલ ન હોવાથી નામ. કોર્ટે ફરીયાદી ભાવેશભાઈ કાંતીભાઈ ફલીયાના કેસમાં રજુ થયેલ દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓ તેમજ દલીલ માન્ય રાખી ફરીયાદ મંજુર કરેલ હતી.
અને આરોપી સોની વેપારી જેન્તીભાઈ વેલજીભાઈ ભીંડીને ધી નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ-138 ના ગુના સબબ તેમજ સીઆરપીસીની કલમ-255(2) તકશીરવાન ઠરાવી પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ તેમજ ચેકની રકમ રૂા. 50,000/- ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો તેમજ જો વળતરની રકમ ભરવામાં આરોપી કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ જે હુકમ અન્વયે આરોપીએ એપેલન્ટ કોર્ટ સમક્ષ ફોજદારી અપીલ નં.375/22 થી અપીલ દાખલ કરેલ હતી જે અપીલમાં. કોર્ટે ફરીયાદીના વકીલ અશોકભાઈ નંદાની દલીલોને માન્ય રાખી આરોપીની અપીલ નામંજુર કરી .
ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખતો હુકમ જાહેર કરેલ છે અને સાત દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું અને હાજર ન થાય તો આરોપી સામે વોરંટ ઈસ્યુ કરવાનું હકમ કરેલ છે. આ મહત્વના કેસમાં રીસ્પોડન્ટ ભાવેશભાઈ કાંતીભાઈ ફલીયા તરફે જામનગરના એડવોકેટ અશોક નંદા, તથા પુનમ પી. પરમાર એડવોકેટ રોકાયેલ હતા.

