Jamnagar તા.13
જામનગર શહરે નજીકના દરેડ વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ એસ.ઓ.જી.એ પકડી પાડ્યું છે. પોલીસે મસીતિયાના એક શખ્સની અટકાયત કરી તેના કબ્જામાંથી ગેસના નાના-મોટા બાટલા સહિતનું રિફીલિંગનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેર નજીકના દરેડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના મકાનની ઓરડીમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ચલાવતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે દરેડ વિસ્તારમાં દરોડો પાડી ત્યાં એક ઓરડીમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ચલાવી રહેલાં આસિફ સિદ્દીકભાઈ ખફી (ઉ.વ.31, રહે.મસીતિયા ગામ, તા.જી.જામનગર) નામના શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ રાંધણ ગેસના મોટા બાટલામાંથી અન્ય બાટલામાં ગેસની નળી મારફત ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગનું કારસ્તાન ચલાવી રહ્યો હતો.
પોલીસે આસિફ નામના શખ્સની અટકાયત કરી તેના કબ્જામાંથી રાંઘણ ગેસના નાના મોટા બે બાટલા તેમજ વજન કાંટો, નોઝલ, નળી સહિતનો કુલ રૂા.4100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સ સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 287 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

