Junagadh તા.13
જુનાગઢ ઝાંઝરડા ચોકડી દુર્ઘટના કેસમાં મહાનગર પાલિકાના ઈજનેર કાથડીયાને અંતે પોલીસે હાઈકોર્ટના જામીન મળે તે પહેલા જ પકડી પાડી એક દિવસના રિમાન્ડ મેળવી જેલહવાલે કરી દેવાયો હતો.
ગત 7મી મેના ઝાંઝરડા ચોકડીએ ટ્રાફીક પોલીસ ચોકીની પાછળ વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઈપ નાખવા મનપાનું જેસીબીનું કામ ચાલુ હતું જેમાં બેકેટનો દાંત ટોરેન્ટો ગેસની પાઈપલાઈનમાં લાગી જતા ગેસની પાઈપલાઈનમાંથી ગેસ નીકળતા આગ ફાટી નીકળી હતી. તેમાં ફાસ્ટફૂટની દુકાન ધરાવતા શૈલેષભાઈ ગાંગાભાઈ સોલંકી દાઝી જવા પામેલ જયારે તેમના પત્નિ રૂપાબેન અઢી વર્ષની બાળકી ભકિતબેન અને નાસ્તો કરવા આવેલ હરેશભાઈ રીબડીયાનું દાઝી જવાથી ત્રણેયના મોત નોંધાયા હતા. અન્ય છ દુકાનોમાં આગ લાગી જવા પામી હતી. 8 બાઈક બળી જવા પામ્યા હતા. પોલીસે જેસીબી નં. જીજે 11 જીએ 1263ના ચાલક સામે ગુનો દાખલ કરેલ.
તપાસ દરમ્યાન મનપાના મુખ્ય ઈજનેર જયેન્દ્રસિંહ ભગવાનભાઈ ઝાલા અને વોર્ડ ઈજનેર વિવેક કાથડીયાની ભારે બેદરકારી સામે આવતા બન્ને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. લાંબા સમય બાદ ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલા પેલીસ સમક્ષ હાજર થયો હતો. પરંતુ ફરાર વિવેક કાથડીયાએ ધરપકડ ટાળવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરેલ જે સેશન્સ કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટના દ્વાર ખખડાવેલ જેનું જજમેન્ટ આવે તે પહેલા જુનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન બી ડીવીઝન પીઆઈ એ.બી. ગોહીલે સુત્રાપાડાના બાવાની વાવ ગામનો હાલ જુનાગઢ વાડલા ફાટક પાસેથી દબોચી લઈ એક દિવસના રિમાન્ડ મેળવી જેલહવાલે કરી દેવાયો હતો.

