Surendranagar, તા.13
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેરા ગામે રહેતા દલીત દંપતી પર વર્ષ 2022માં હુમલો કરી પત્નીનું મોત નીપજાવ્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં હાલ જામીન મુકત આરોપી સહિતનાઓએ વૃધ્ધને માર મારી સમાધાન કરવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ દસાડા પોલીસ મથકે નોંધાઈ છે.દસાડા તાલુકાના મેરા ગામે રહેતા વૃધ્ધ દંપતી પાલાભાઈ હીરાભાઈ વાઘેલા અને તેમના પત્ની ગજરાબેન ઉપર તા.10-6-22ના રોજ છરી વડે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો.
જેમાં ગજરાબેનનું મોત થયુ હતુ. આ બનાવમાં મૃતક ગજરાબેનનો પુત્ર બાબુ વાઘેલા સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પાલાભાઈની મેરા ગામની સીમમાં આવેલ સંયુકત જમીન રૂપીયા 32 લાખના ભાવે વેચાઈ હતી. જેમાં પાલાભાઈના ભાગે રૂપીયા 8 લાખ આવ્યા હતા. તંગી હોવાથી બાબુ પૈસા માંગે તો પણ પાલાભાઈ તેમને આપતા ન હતા.
આથી બાબુએ માતા-પીતાને મારી નાંખવાનું નકકી કર્યુ હતુ. અને સહ આરોપીઓ જગદીશ ચાવડા સહિતનાઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. આ બનાવમાં હાલ બાબુ વાઘેલા તથા જગદીશ ચાવડા જેલમાં છે. જયારે લીલાબેન અશોકભાઈ ચાવડા જામીન મુકત છે.
તા. 5-11ના રોજ મેરામાં દુઃખદ પ્રસંગ બન્યો હોઈ હાલ શિવશકિત આશ્રામમાં રહેતા 63 વર્ષીય પાલાભાઈ બેસણામાં ગયા હતા. ત્યારે હરજી હીરાભાઈ વાઘેલા, પ્રહલાદ હરજીભાઈ વાઘેલા, રમેશ હરજીભાઈ વાઘેલા, લીલાબેન અશોકભાઈ ચાવડા, અશોક લવજીભાઈ ચાવડા, રવિ અશોકભાઈ ચાવડા અને સામીબેન શાંતીગીરીબાપુએ ખુન કેસમાં સમાધાન બાબતે વાત કરીને જો સમાધાન નહી કરે તો 20 દિવસમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જયારે પથ્થરોના ઘા કરી લાકડાના ધોકા વડે પાલાભાઈને માર માર્યો હતો. આ અંગે દસાડા પોલીસ મથકે હત્યા કેસના આરોપી લીલાબેન ચાવડા સહિત 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ વી. જે. માલવીયા ચલાવી રહ્યા છે.

