Mumbai,તા.13
IPL 2026નું મીની ઑક્શન હવે નજીક આવી રહ્યું છે અને તેની સાથે જ ‘ટ્રેડ વિન્ડો’ની હલચલ શરૂ થઈ ગઈ છે. આ વખતે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને ચેન્નાઈ સુપર કિંગ્સના રવીન્દ્ર જાડેજા હેડલાઈન્સમાં છે, તેમના સંભવિત ટ્રેડ સમાચારોએ ક્રિકેટ જગતને હચમચાવી મૂક્યું છે. IPL ઑક્શન હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે સૌથી મોટો સવાલ એ છે કે IPL ટ્રેડ પ્રક્રિયા કેવી રીતે થાય છે? ખેલાડીઓની અદલાબદલીનો નિયમ શું છે અને કઈ શરતો પર આ ડીલ નક્કી થાય છે? ચાલો આ અંગે વિસ્તારથી જાણીએ.
સામાન્ય રીતે ટ્રેડ વિન્ડો દરેક સીઝન સમાપ્ત થયાના લગભગ એક મહિના પછી ખુલે છે. તે આગામી ઑક્શનના એક અઠવાડિયા પહેલા સુધી ચાલુ રહે છે. ઑક્શન બાદ તે ફરી ખુલે છે અને ટુર્નામેન્ટ શરૂ થાય તેના લગભગ એક મહિના પહેલા સુધી એક્ટિવ રહે છે. આનો અર્થ એ છે કે ટીમો પાસે પોતાની વ્યૂહરચનાના આધારે ખેલાડીઓની અદલાબદલી કરવા માટે પુષ્કળ સમય હોય છે.
એકતરફી ટ્રેડ જેને વન-વે ટ્રેડ પણ કહેવાય છે, તેમાં ખેલાડી ખરીદનારી ટીમ એ જ રકમ ચૂકવે છે જેના પર તે ગત ઓક્શનમાં વેચાયો હતો. જો આ અદલાબદલી વાળી ડીલ છે તો બંને ટીમ ખેલાડીઓની કિંમતનું અંતર મેળવીને ડીલ નક્કી કરે છે.
– 2024માં જ્યારે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરી હતી ત્યારે મુંબઈએ ગુજરાતને તેની મૂળ હરાજી કિંમત અને વધારાની ટ્રાન્સફર ફી ચૂકવી દીધી હતી.
– આવી જ રીતે લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અવેશ ખાન અને દેવદત્ત પડિક્કલનો ટૂ-વે ટ્રેડ થયો હતો, જેમાં લખનઉએ 2.25 કરોડ રૂપિયાની વધારાની રકમ પણ ચૂકવી હતી.
– આવી જ રીતે 2021માં જ્યારે CSK એ રોબિન ઉથપ્પાને રાજસ્થાનમાંથી ટ્રેડ કર્યો હતો, ત્યારે તે ઓલ કેશ ડીલ હતી. એટલે કે, CSKએ રાજસ્થાનને બદલામાં કોઈ ખેલાડી આપવાને બદલે પૈસા આપી દીધા હતા.
IPL ટ્રેડનો સૌથી મહત્વપૂર્ણ નિયમ ખેલાડીની લેખિત સંમતિ છે. ખેલાડીની મંજૂરી વિના કોઈ પણ ટ્રેડ થઈ શકતો નથી. આ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે, જેથી ખેલાડી બળજબરીથી બીજી ટીમમાં ટ્રાન્સફર ન થાય. એકવાર ખેલાડીની મંજૂરી મળી જાય પછી બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે ડીલ માટે વાટાઘાટો શરૂ થઈ જાય છે, પછી ભલે તે કેશ ડીલ હોય કે સ્વેપ.
ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ પણ સ્વીકાર્યું હતું કે હાર્દિક પંડ્યા ખુદ મુંબઈમાં વાપસી કરવા માગતો હતો, જેના કારણે આ ડીલ શક્ય બની. આવી જ રીતે સંજુ સેમસન અંગે રિપોર્ટ કહી રહી છે કે, તેણે પોતે એક નવા પડકાર માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, અને ત્યારબાદ CSK અને RR વચ્ચે વાતચીત થઈ હતી. બીજી તરફ મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો કે જાડેજા આ ડીલ માટે તૈયાર નથી, જેના કારણે CSK માટે સેમસનને લાવવું મુશ્કેલ બની ગયું છે.
દર વર્ષે ઑક્શનની ચર્ચા તો થાય જ છે, પરંતુ વાસ્તવિક વ્યૂહાત્મક ખેલ તો ટ્રેડ વિન્ડોમાં ચાલે છે. અહીં ટીમોનું કોર સ્ટ્રક્ચર નક્કી થાય છે, એટલે કે, કોણ જશે, કોણ રહેશે અને કોને કઈ કિંમત પર ટીમમાં સામેલ કરવામાં આવશે. 2026માં વધુ રસપ્રદ બની ગયું છે, કારણ કે સેમસન, જાડેજા, રોહિત શર્મા, ટ્રેવિસ હેડ, સેમ કરન અને મથિશા પથિરાના જેવા ઘણા મોટા નામો ટ્રેડ રડાર પર છે. જો આ ખેલાડીઓની ડીલ પાક્કી થાય, તો આગામી IPL સીઝન ઈતિહાસમાં સૌથી રોમાંચક સીઝન સાબિત થઈ શકે છે.
IPL 2026 માટે ટ્રેડ વિન્ડો પહેલા જ ઑક્શનથી વધુ હેડલાઈન્સમાં આવી ચૂક્યુ છે. ચાહકો વચ્ચે સસ્સપેન્સ યથાવત છે કે શું સેમસન ખરેખર ચેન્નાઈમાં જશે? કે પછી જાડેજા નવી ટીમની જર્સીમાં જોવા મળશે? એક વાત તો નક્કી છે કે, આ વખતે IPLમાં માત્ર પૈસાની જ નહીં પણ મગજ અને વ્યૂહરચનાની પણ અસલી બાજી ચાલી રહી છે. આગામી વર્ષે મેગા ઑક્શન થશે અને તે પહેલાં ટીમો પોતાનું કોર તૈયાર કરવા માગે છે, જેથી તેને આગામી ઑક્શનમાં જાળવી શકે. અને આ જ બાબત આ લીગને વિશ્વની સૌથી રોમાંચક ક્રિકેટ લીગ બનાવે છે.

