Mumbai,તા.13
ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી સ્કીમમાં ચોખ્ખો રોકડ પ્રવાહ લગભગ 19 ટકા ઘટીને 24,690 કરોડ રૂપિયા થયો છે. તે જ સમયે, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઇપી) દ્વારા આવતાં કુલ નાણાં સપ્ટેમ્બરમાં રેકોર્ડ 29,631 કરોડ રૂપિયાની તુલનામાં ઓક્ટોબરમાં 29,529 કરોડ રૂપિયા હતા.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ)એ મંગળવારે જણાવ્યું હતું કે આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ચોખ્ખા પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં પ્રવાહ 9 ટકા ઘટીને 30,421 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 22 ટકા ઘટીને 33,430 કરોડ રૂપિયા થયો હતો.
સોનું ચમક્યું
આંકડા અનુસાર, સોનાના ભાવમાં વધારા વચ્ચે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ગોલ્ડ ઇટીએફ)માં આ મહિને 7,743 કરોડ રૂપિયાનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. આ સાથે જ આ કેટેગરીની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
ઇક્વિટી એયુએમમાં વધારો થયો
31 ઓક્ટોબરના રોજ ઇક્વિટી સ્કીમ્સનો કુલ એયુએમ 35.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો, જે એક મહિના પહેલાં 33.68 લાખ કરોડ રૂપિયા હતો.
ડેટ ફંડ્સમાં વળતર
ડેટ સ્કીમ્સમાં ચોખ્ખો પ્રવાહ ઓક્ટોબરમાં 1.59 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો, જે સપ્ટેમ્બરમાં 1.01 લાખ કરોડ રૂપિયા હતો.
કુલ એયુએમ વધારો
ડેટ સેગમેન્ટમાં હકારાત્મક ગતિવિધિને કારણે ઉદ્યોગનો એયુએમ 5 ટકાથી વધુ વધીને 79.88 લાખ કરોડ રૂપિયા થયો છે.
નવી યોજનાઓનો શુભારંભ
ઓક્ટોબરમાં 18 નવી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, જેના દ્વારા ઉદ્યોગે 6,062 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતાં.

