Bihar, તા.15
એક સમય હતો, જ્યારે પ્રશાંત કિશોર (PK) ભારતની ચૂંટણી રાજનીતિમાં ચાણક્ય બનીને ઉભર્યા હતા. નરેન્દ્ર મોદી સાથે કામ કર્યાં બાદ પ્રશાંત કિશોરે મમતા બેનરજી, લાલુ પ્રસાદ યાદવ, નીતિશકુમાર, અરવિંદ કેજરીવાલ, જગન મોહન રેડ્ડી સહિત અનેક નેતાઓ અને મોટાભાગની તમામ પાર્ટીઓ સાથે કામ કર્યું અને તેમને ચૂંટણીમાં પ્રચંડ જીત પણ અપાવી હતી. જો કે આજ ચાણક્ય બિહારની રાજનીતિમાં ઊંધા માથે પટકાયા છે.
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી એક બેઠક પણ જીતી શકી નથી. આટલું જ નહીં, તેમના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી છે. બિહાર ચૂંટણીની અગ્નિ પરીક્ષામાં પ્રશાંત કિશોરને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.
2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપના વિજયી અભિયાનની રૂપરેખા તૈયાર કરીને પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર તરીકે લાઈમ લાઈટમાં આવ્યા હતા. ભાજપની પ્રચંડ જીત સાથે પ્રશાંત કિશોર છવાઈ ગયા હતા.
જે બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે પ્રશાંત કિશોરની મદદ લીધી અને મોદી લહેર પર સવાર થઈને સત્તાના સિંહાસન પર આવી. જો કે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર ભાજપની વિરુદ્ધમાં હતા. એટલે કે તે સમયે નીતિશકુમાર અને લાલુ પ્રસાદ યાદવની જોડીવાળા મહાગઠબંધન માટે પ્રશાંત કિશોર રણનીતિ ઘડી રહ્યા હતા. જેમાં તેમને સફળતા પણ મળી હતી.
2017માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતા અમરિન્દરસિંહને જીત અપાવી અને પછી ઢજછઈઙના જગન મોહન રેડ્ડી માટે રણનીતિ ઘડીને તેમને આંધ્ર પ્રદેશમાં પ્રચંડ જીત અપાવી હતી.
2021માં પ્રશાંત કિશોરે તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં DMK અને મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું અને બન્ને પાર્ટીને ભવ્ય સફળતા પણ અપાવી.
જો કે લોકસભા ચૂંટણીના થોડા મહિના બાદ પ્રશાંત કિશોરે જન સુરાજ પાર્ટીની રચના કરવા સાથે બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી હતી. ચૂંટણી પૂર્વે પ્રશાંત કિશોરની પાર્ટીએ પ્રચંડ પ્રચાર અભિયાન પણ હાથ ધરી દીધુ અને સોશિયલ મીડિયા પર પણ પોતાની પકડ જાળવી રાખી.
રાજકીય પંડિતો પણ એવું માનવા લાગ્યા હતા કે, પ્રશાંત કિશોર એક સશક્ત રાજકીય વ્યક્તિ બનીને ઉભરશે. જનસુરાજ પાર્ટી બિહારમાં કિંગ મેકરની ભૂમિકામાં આવી જશે.
જો કે ચૂંટણી પરિણામના દિવસે આખું ચિત્ર બદલાઈ ગયું. જનસુરાજ પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા, જ્યારે પ્રશાંત કિશોર જેના હારવાનો દાવો કરતાં હતા તે JDU પાર્ટીએ 2020ની સરખામણીમાં 41 બેઠકો વધારે જીતી લીધી.

