Ahmedabad,તા.15
ગુજરાત જાહેર સેવા આયોગ(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા કલાસ 1-2ની 2023-24 ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ ઓક્ટોબર 2024માં મેઈન લેવાઈ હતી.
પરંતુ એક વર્ષ થવા છતાં હજુ સુધી મેઈનનું પરિણામ જાહેર ન થતા પરીક્ષા આપનારા ઉમેદવારો ફસાયા છે અને મોટી મુંઝવણમાં મુકાયા છે. બીજી બાજુ જીપીએસસી દ્વારા પરિણામ ક્યારે જાહેર થશે અને ક્યારે ઈન્ટરવ્યુ લેવાશે તેની કોઈ જ સ્પષ્ટતા કરાતી નથી.જેને પગલે ઉમેદવારોના નાણા અને સમયનો વ્યય થાય છે.
જીપીએસસીની કલાસ 1 અને 2ની ભરતીની ગત ઓક્ટોબર-2024ની મેઈન પરીક્ષા આપનારા ઉમેદવારોએ આયોગમાં પરિણામને લઈને રજૂઆત કરી છે. જે મુજબ 2023-24ની ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી.
.જેમાં ક્વોલિફાઈ થનારા અંદાજે 9900 જેટલા ઉમેદવારોએ ઓક્ટોબર 2024માં મેઈન પરીક્ષા આપી હતી.મેઈન પરીક્ષાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી જીપીએસસી દ્વારા પરિણામ જાહેર કરાયુ નથી. ઉમેદવારોની ફરિયાદ છે કે જીપીએસસીમાં હાલ માત્ર ચેરમેન અને અન્ય એક જ મેમ્બર છે. જ્યારે પાંચ મેમ્બરની જગ્યા ખાલી છે.
ઓક્ટોબર 2024ની મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવતુ નથી અને નવી નવી ભરતી પરીક્ષાઓ જાહેર થાય છે તેમજ લેવામા આવે છે. ત્યારે ઉમેદવારોએ નવી પરીક્ષાઓ માટે તૈયારી કરવી કે નહીં, પરીક્ષા આપવી કે નહીં તેની મોટી મુંઝવણ છે. ઉમેદવારોની ફરિયાદ છે કે પરિણામ મુદ્દે અનેકવાર પુછપરછ કરવામા આવી છે. પરંતુ જીપીએસસી દ્વારા કોઈ સ્પષ્ટતા કરાતી નથી.

