Ahmedabad તા.15
સુરતની 73 વર્ષની ગુજરાતી મહિલાએ પોતાનાથી 9 વર્ષ ઓછી ઉંમરના આફ્રિકન અમેરિકન પુરૂષ સાથે લગ્ન કરતા અમેરિકી તંત્રના રડાર હેઠળ આવ્યા છે. ગ્રીનકાર્ડ મેળવવા માટે આ સગવડીયા લગ્ન કરાયાની શંકા છે.
અમેરિકી ઈમીગ્રેશન પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે ગુજરાતી મહિલાને અંગ્રેજી આવડતુ નથી. અમેરિકન પુરૂષને ગુજરાતી ભાષાની સમજ નથી ત્યારે લગ્ન વાસ્તવિક હોવાનુ ગળે ઉતરે તેમ નથી. આ સિવાય મહિલાનો પુત્ર તથા પુત્રવધુ પણ ઈમીગ્રેશન ફ્રોડ તથા નાણાંકીય ગેરરીતિ જેવા કેસોમાં તપાસ હેઠળ છે.
સુરતની મહિલા 2017માં વિઝીટર વિઝા પર પુત્ર-પુત્રવધુ સાથે અમેરિકા ગઈ હતી. વિઝા પુરા થવા છતાં વધુ રોકાઈ હતી અને ડિસેમ્બર 2023માં ફલોરિડાના પુરૂષ સાથે લગ્ન કર્યા હતા. આ મહિલા મૂળ સૌરાષ્ટ્રની છે અને પછી સુરતમાં સ્થાયી થઈ હતી.
લગ્ન પ્રમાણપત્ર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં કાયમી નાગરિકતાની અરજી નકારી દેવામા આવી છે. ભાષાકીય અજ્ઞાનતાથી અરજી નકારવામાં આવી હતી અને લગ્ન શંકાના ઘેરાવામાં આવ્યા હતા.
આ પરિવાર આઠ વર્ષથી અમેરિકામાં રહે છે. મહિલાના પુત્રએ અનેકને ગેરકાયદે ઘુસાડયાની શંકા ઉપરાંત લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવીને ફરાર થવાના કિસ્સામાં સંડોવાયેલ છે.
સૂત્રોએ કહ્યું કે, પરિવારની આશ્રય અરજી નકારવામાં આવી હતી અને 90 દિવસમાં અમેરિકા છોડવા કહેવાયુ હતું. મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ કાનુની પગલા શરૂ કરાયા છે.
વોરંટ પણ ઈસ્યુ કરાયુ છે. બનાવટી લગ્નના આધારે અમેરિકામાં સ્થાયી થવાનો માર્ગ સૌથી સરળ છે પરંતુ તંત્ર હવે વધુ સાવધ બન્યુ છે. વાસ્તવિક-યોગ્ય લગ્નમાં પણ કડક ચકાસણી કરવામાં આવે છે.

