Rajkot, તા.15
આજે સવારે રાજકોટમાં પતિએ પત્ની ઉપર ફાયરિંગ કરી પોતે લમણે ગોળી ધરબી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પતિ લાલજી પઢીયારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની તૃષા પઢીયાર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લાંબા સમયથી પતિ – પત્ની વચ્ચે કંકાસ ચાલતો હતો. દોઢ મહિના પહેલા પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણ થતા ઝઘડો થયેલો હતો.
જેથી પત્ની તૃષા પોતાની બહેનપણી પૂજાના ઘરે નાગેશ્વરના સમેત શિખર એપાર્ટમેન્ટમાં રહેવા જતી રહી હતી. આજે તૃષા અને પૂજા બંને બહેનપણી જીમમાંથી આવી પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વાહન પાર્ક કરતા હતા ત્યાં લાલજી ઉભો હતો. ઝઘડો કરી પોતાની લાયસન્સ વાળી બંદૂકમાંથી પહેલા તૃષાને ગોળી મારી પછી પોતે આપઘાત કરી લીધો હતો.
સમગ્ર ઘટના અંગે મળતી વિગત મુજબ, આશરે 21 વર્ષ પહેલા લાલજીભાઈ રમેશભાઈ પઢીયાર (ઉંમર વર્ષ 42) અને તૃષાબેન પઢીયારના લગ્ન થયા હતા. બંને પતિ પત્ની અને 20 વર્ષનો પુત્ર રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર જૈન મંદિરની સામે આવેલા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. લાલજીભાઈ ના પરિવારજનો એ કરેલા આક્ષેપ મુજબ, દોઢ વર્ષ પહેલા તૃષાબેનને કોઈ યુવક સાથે સંબંધ હોવાની લાલજીભાઈને જાણ થઈ હતી.
આ પછી બંને પતિ-પત્ની વચ્ચે મોટા પ્રમાણમાં ઝઘડાઓ થતા હતા. પતિ પત્નીનો આ ઝઘડો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. પછી પત્ની તૃષાબેન નાગેશ્વર મંદિર સામે રહેતી પોતાની બેનપણી પૂજાબેન સોની પછી પત્ની તૃષાબેન નાગેશ્વર મંદિર સામે સમેત શિખર એપાર્ટમેન્ટમાં રહેતી પોતાની બેનપણી પૂજાબેન સોનીના ઘરે રહેવા જતા રહ્યા હતા.
આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ તૃષાબેન અને પૂજાબેન સ્કૂટર પર જીમમાં ગયા હતા. જ્યાંથી આશરે 9ઃ45 વાગ્યા આસપાસ પરત સમેત શિખર બિલ્ડીંગ ખાતે આવેલ. પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કરતા હતા ત્યાં લાલજીભાઈ ત્યાં આવી ગયા હતા અને ઝઘડો કર્યો હતો. દરમિયાન લાલજીભાઈએ પોતાની લાયસન્સ વાળી બંદૂક કાઢી પત્ની તૃષા ઉપર એક ગોળીનું ફાયરિંગ કર્યું હતું. જેમાં તુષા ઘવાઈ હતી.
ત્યારે જ લાલજીભાઈએ બીજી ગોળી પોતાના લમણે ધરબી દીધી હતી અને આપઘાત કરી લીધો હતો. ઘાયલ તુષાને પૂજાબેન 108 માં સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા જ્યાં હાલ તૃષાની સારવાર ચાલુ છે. સ્થળ ઉપર 108 ના ઇએમટીએ લાલજીભાઈ ને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. બનાવના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

