Mumbai તા.15
બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં કડક ટિપ્પણી કરતાં કહ્યુ હતું કે આજના સમયમાં સંસ્કારોની સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે દિકરો પોતાના વૃદ્ધ માતા-પિતાને તીર્થયાત્રા પર લઈ જવાની જગ્યાએ અદાલતમાં ઘસડી રહ્યા છે.
કોર્ટે મૂંબઈનાં ગોરેગાંવના એક વ્યકિતની એ અરજી ફગાવી દીધી હતી જેમાં તેણે પોતાનાં મા-બાપને સારવાર માટે મુંબઈ આવી તેના ઘરે આવતા રોકવા રોકનો આદેશ માગ્યો હતો.
જસ્ટીસ જિતેન્દ્ર જૈનની સિંગલ બેન્ચે કહ્યું હતું કે આ એક વધુ દુઃખદ ઉદાહરણ છે કે દિકરો તેનાં બિમાર અને વયોવૃદ્ધ માતા-પિતાની સારસંભાળની નૈતિક જવાબદારી નિભાવવાના બદલે તેની સામે કેસ કરી રહ્યો છે. જજે કહ્યું હતું કે આપણા સમાજનાં સંસ્કાર એટલી હદે ભાંગી ગયા છે કે આપણે શ્રવણ કુમાર જેવા આદર્શને પણ ભૂલી ગયા છીએ.
કોર્ટે કહ્યું હતું કે આજના સમયમાં બાળકોની સારસંભાળમાં કયાંકને કયાંક ગંભીર કમી કરી ગઈ છે.ત્યારે માતા-પિતાએ કોર્ટનો દરવાજો ખખડાવવો પડી રહ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે દુઃખની વાત એ છે કે માતા-પિતા દસ બાળકોનું પાલન પોષણ કરી શકે છે પરંતુ ઘણીવાર દસ બાળકો મળીને પણ માતા-પિતાની સારસંભાળ નથી રાખી શકતા. મામલામાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે દિકરાએ વૃદ્ધ મા-બાપની સારસંભાળ રાખવી પડશે.
હાલ માતા-પિતા કોલ્હાપુરમાં પોતાના ત્રીજા પુત્રની સાથે રહે છે. પરંતુ સારવાર માટે હંમેશા મુંબઈ આવવુ પડે છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે જયારે પણ તેઓ મુંબઈ આવે ત્યારે દિકરો કે તેની પત્નિ તેમને લેવા જશે અને સારવાર માટે સાથે પણ લઈ જશે.
કોર્ટે ચેતવણી આપી હતી કે તેણે આદેશનું પાલન ન કર્યું અને માતા-પિતાને કોઈપણ પ્રકારની પરેશાની થઈ તો દિકરાની સામે અદાલતની અવગણનાની કાર્યવાહી થશે.

