Rajasthan,તા.15
બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ભવ્ય વિજય વચ્ચે, રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બારાં જિલ્લાની અંતા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાએ ભાજપના મોરપાલ સુમનને 15,594 મતના મોટા માર્જિનથી હરાવ્યા છે. આ પરિણામને મુખ્યમંત્રી ભજન લાલ શર્માના બે વર્ષના શાસન માટે એક મોટો રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે.
બારાં જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ જૈન ભાયાને કુલ 69,571 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર મોરપાલ સુમનને 53,959 મત મળ્યા. અપક્ષ ઉમેદવાર નરેશ મીણાને પણ 53,800 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર કરતાં 15,594 વધુ મતો મેળવ્યા.
રસપ્રદ વાત એ છે કે, મતગણતરીના અંતિમ રાઉન્ડ પહેલા ભાજપના ઉમેદવાર ત્રીજા સ્થાને હતા, જોકે અંતિમ રાઉન્ડમાં તેઓ બીજા સ્થાને પહોંચી શક્યા. કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની સંયુક્ત વ્યૂહરચનાના કારણે કોંગ્રેસે અંતામાં આ જીત મેળવી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ આ જીતને આવકારતા જણાવ્યું કે, ‘આ પેટાચૂંટણી ભજનલાલ સરકાર માટે એક કસોટી હતી, અને સરકાર નિષ્ફળ ગઈ.’
બિહારમાં પ્રભાવશાળી પ્રદર્શન છતાં રાજસ્થાનમાં કારમી હારથી જયપુરમાં ભાજપ કાર્યાલયનું વાતાવરણ ચિંતાજનક બન્યું હતું. બીજી તરફ કોંગ્રેસ મુખ્યાલયમાં ભારે ઉત્સાહ સાથે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ આ જીતને રાજ્ય સરકારના પ્રદર્શન સામે લોકોના ગુસ્સાના સંકેત ગણાવ્યો.

