Bihar,તા.15
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, રાજકીય વર્તુળોમાં ગતિવિધિઓ તેજ બની છે. વહેલી સવારથી જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને નેતાઓની અવરજવર શરુ થઈ ગઈ છે. અહીં હાલમાં નીતિશ કુમાર સાથે લલન સિંહ, સંજય ઝા, વિજય ચૌધરી અને ઉમેશ કુશવાહા જેવા તેમના નજીકના અને વિશ્વાસુ નેતાઓની મહત્ત્વની બેઠક ચાલી રહી છે. આ ચૂંટણીમાં JDUએ 85 બેઠકો પર વિજય મેળવ્યો છે. જોકે, નવા મુખ્યમંત્રી કોણ બનશે તે વિશે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ બહાર નીકળેલા LJPના નેતા ચિરાગ પાસવાને કહ્યું કે, ‘હું મુખ્યમંત્રીને અભિનંદન આપવા ગયો હતો. આ પ્રચંડ બહુમતી એટલા માટે મળી, કારણ કે બધા સહયોગી પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી; જેમાં મુખ્યમંત્રીએ તેમના ઉમેદવારોને ટેકો આપ્યો અને અલોલીમાં LJPએ પણ JDU ઉમેદવારને સમર્થન આપ્યું.’ જોકે, ‘આગામી મુખ્યમંત્રી કોણ બનશે?’ તેવા પ્રશ્નનો તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.
મુખ્યમંત્રી આવાસ પર પહોંચતાની સાથે જ પટનામાં JDUના નેતા શ્યામ રજકે ભારપૂર્વક જણાવ્યું કે, ‘આ બિહારની જનતાની જીત છે. જનતાએ તેમના નેતા નીતિશ કુમાર અને NDA પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મારા મતે, નીતિશ કુમારના કામના આધારે, તેમને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવાનો જનાદેશ પ્રાપ્ત થયો છે.’ તેમણે બિહારના તમામ મતદારોનો આભાર પણ માન્યો.બિહારના મંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચા(સેક્યુલર)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમન પણ પટનામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. નોંધનીય છે કે, NDAએ બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી 202 બેઠકો પર જીત મેળવીને ઐતિહાસિક અને પ્રચંડ વિજય નોંધાવ્યો છે.

