Mumbai,તા.15
બોલિવૂડના ‘બાદશાહ’ શાહરુખ ખાનની લોકપ્રિયતા ભારતની સરહદો વટાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને અરબ દેશોમાં, ચરમસીમા પર છે. જેનો વધુ એક પુરાવો હવે દુબઈમાં જોવા મળશે. સુપરસ્ટાર શાહરુખે ફરી સાબિત કરી દીધું છે કે તેનો જાદુ દુનિયાભરમાં કેમ ચાલે છે! તેના નામ પર દુબઈમાં અરબો રૂપિયાના ખર્ચે એક ભવ્ય ટાવર તૈયાર થવા જઈ રહ્યો છે, જે વિશ્વભરના ચાહકો તરફથી તેને મળેલા અપાર પ્રેમને દર્શાવે છે.
શુક્રવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહરુખ ખાન હાજર રહ્યો હતો. આ ઇવેન્ટમાં તેણે પોતાના નામ પર બની રહેલા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. દુબઈમાં શાહરુખ ખાનની લોકપ્રિયતા પહેલેથી જ વધુ છે અને ત્યાંની જનતા તરફથી તેને અપાર પ્રેમ મળે છે.
પોતાના નામ પર બની રહેલા આ ટાવર વિશે સુપરસ્ટાર ભાવુક થઈ ગયો હતો અને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જો મારી માતા આજે જીવિત હોત, તો તેઓ ખૂબ જ ખુશ થાત. આ ખરેખર બહુ મોટું સન્માન છે. જ્યારે મારા બાળકો અહીં આવશે, ત્યારે હું તેમને ગર્વથી બતાવીશ કે, જુઓ, આ પપ્પાના નામની બિલ્ડિંગ છે, તેના પર પપ્પાનું નામ લખેલું છે.’
શાહરુખ ખાનના નામ પર બની રહેલો ટાવર એક કોમર્શિયલ ટાવર છે, જેનું બાંધકામ 2029 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોપર્ટીનું મૂલ્ય લગભગ રૂ.4000 કરોડ આંકવામાં આવ્યું છે. આ ભવ્ય ટાવર 56 માળનો હશે. કોઈ મુસ્લિમ દેશમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ અભિનેતાના નામની બિલ્ડિંગ બની રહી છે, જે એક ઐતિહાસિક પગલું છે. ટાવરની સુવિધાઓમાં એક હેલિપેડ અને સ્વિમિંગ પૂલનો પણ સમાવેશ થશે.

