Surendranagar,તા.15
ગુજરાતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામ નજીક અજાણ્યા શખસે યુવતીને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક યુવતી ઝોબાળા ગામની રહેવાસી હતી અને રાણપુર ગામની એક કંપનીમાં કામ કરવા માટે નીકળી હતી. યુવતી જ્યારે કામ પર જઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા શખસે તેને રોકીને છરીના ઘા ઝીંકીને હુમલો કર્યો હતો. ઘાતક હુમલાને કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ શખસ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ બનાવની જાણ થતાં જ ચુડા પોલીસની ટીમ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે યુવતીની હત્યા કરનાર શખસ કોણ હતો અને તેની હત્યાનું કારણ શું હતું, તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે આ ગંભીર ગુનો નોંધીને ફરાર હત્યારાને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. યુવતીની જાહેરમાં હત્યાની ઘટનાને પગલે ઝોબાળા અને રાણપુર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

