Drarkaતા.૧૫
દેવભૂમિ દ્વારકાના ઓખામાં એક ગંભીર અને ચર્ચાસ્પદ ઘટના બની છે. જ્યાં માત્ર ત્રણ મહિના પહેલાં કોર્ટ મેરેજ કરનાર યુવાને પત્ની સાથેના કડવાશભર્યા સંબંધોમાં ઉશ્કેરાઈને આત્મઘાતી પગલું ભર્યું. છેલ્લા દસ દિવસથી પિયર ગયેલી પત્નીના ઘરે પહોંચી આ યુવાને પોતાના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
જોકે, આ ભયાવહ કૃત્યમાં તેણે સળગતી હાલતમાં જ પોતાની પત્નીને ભેટી લેતાં, આ દુઃખદ બનાવમાં પતિ-પત્ની બંને અને પત્નીના માતા (સાસુ) પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેય ઘાયલોને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
ઓખા મરીન પોલીસે આ ગંભીર ઘટનાની નોંધ લઈને તુરંત કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં લગ્નજીવનમાં આવેલી કડવાશ જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે યુવાન સામે આત્મહત્યાનો પ્રયાસ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ સમગ્ર ઓખા પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને હાલ ત્રણેય દાઝેલા ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં જ સારવાર ચાલી રહી છે.

