Junagadh તા. ૧૫
જુનાગઢની એક ૧૫ વર્ષીય તરૂણીને પ્રેમ હોય તે યુવક સાથે સગાઈ કરવાનું પરિવારે નક્કી કરતા, તરુણી અવારનવાર યુવકને મળવા જઈ ગેરવર્તન કરતા પરિવારે ઠપકો આપતાં તરુણી તે યુવક સાથે તેમના ઘરે જતી રહેલ. પરંતુ યુવકના માતા પિતા એ તરુણીની નાની ઉંમર હોવાને લીધે રાખવાનો ઇનકાર કરી, તરુણીને તેમના માતા પિતાને સોંપી દીધેલ. જેથી પરિવારને પોતાની દીકરીને સમજાવવા માટે ૧૮૧ ની મદદ લેવી પડી હતી.
૧૮૧ મહિલા હેલ્પ લાઇનને જુનાગઢ સીટી વિસ્તાર માંથી કોલ મળતા ફરજ પરના જૂનાગઢ ટીમના કાઉન્સેલર અરુણા કોલડીયા તથા મહિલા પોલીસ અસ્મિતા ગોંડલીયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી તરુણીને મળી કાઉન્સેલીંગ કરી, માનસિક સપોર્ટ આપેલ અને પરિવારને સાંભળી, તેમનું કાઉન્સેલીંગ કરતા જણાયેલ કે, તરુણી ૨ વર્ષથી એક યુવકના પ્રેમમાં હોય, જેથી પરિવારે તે યુવક સાથે ઉંમર પૂરી થાય ત્યારે સગાઈ કરવાનું નક્કી કરેલ હોય, પરંતુ તરુણીની ઉંમર ૧૫ વર્ષ હોય અને તે અવારનવાર યુવકને મળવા જઈ, ઘરે ગેરવર્તન કરતા હોવાથી, માતા પિતા એ ઠપકો આપતા, તે યુવક સાથે તેમના ઘરે જતી રહેલ. જેથી તરુણીના માતા પિતા ત્યાંથી લઇ આવેલ. પરંતુ તરુણી સમજતી ના હોય અને લગ્ન કરવાની જીદ કરી પરિવાર સાથે ગેરવર્તન કરતી હતી.
તરુણીના માતા પિતાની સઘળી વાત સાંભળી, ૧૮૧ ટીમ દ્વારા તરુણીનું કાઉન્સેલીંગ કરી, કાયદાકીય સમજ આપેલ અને સારા ભવિષ્યની સમજ આપતા, તરુણી સમજી ગયેલ અને માતા પિતાની માફી માંગેલ અને હવેથી આવી ભૂલ નહી કરે તેમ જણાવેલ.
તરુણી એ ભૂલ સ્વીકારતા પરિવારે પણ તરૂણીનો રાજીખુશથી સ્વીકાર કરેલ અને તરુણી એ જણાવેલ કે, તે ઉંમર પૂરી થાય બાદ જ લગ્ન વિશે વિચારશે. જેથી માતા પિતાએ પણ નિરાંત અનુભવેલ. અને પરિવારે ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.

