Dhaka,તા.17
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામેના ચુકાદા પૂર્વે આજે પાટનગર ઢાકા સહિતના શહેરોમાં ભયાનક હિંસા ફાટી નીકળી હતી જેને પગલે શુટ એટ સાઈટના ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. તોફાન-હિંસા દરમ્યાન શ્રેણીબદ્ધ બોંબધડાકા પણ થયા હતા. ભય-દહેશતનો માહોલ સર્જાયો હતો.
બાંગ્લાદેશમાં સતા પરિવર્તન સર્જનારી હિંસાને હજુ માડ એક વર્ષ થયુ છે. ત્યાં આજે ફરી ભયાનક તોફાનો ફાટી નીકળ્યા હતા. ભુતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામેના કેસમાં આજે ટ્રીબ્યુનલનો ચુકાદો છે તે પુર્વે જ તોફાનો શરૂ થઈ ગયા હતા.
ઢાકામાં અનેક સ્થળોએ ક્રુડ બોંબના ધડાકા ઉપરાંત સુરક્ષા જવાનો તથા દેખાવકારો વચ્ચે ઠેકઠેકાણે અથડામણ થઈ હતી જેને પગલે શુટ સાઈટના ઓર્ડર જારી કરી દેવામાં આવ્યા હતા. બોંબ ધડાકામાં જાન્યુઆરીની વિગતો જાહેર થઈ નથી પરંતુ સમગ્ર પાટનગર ધ્રુજી ઉઠયુ હતું અને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
પાટનગર ઢાકા ઉપરાંત દેશના અન્ય અમુક શહેરોમાં પણ બોંબ બ્લાસ્ટ તથા વાહનો-ઈમારતોમાં આગજનીનાં બનાવો બન્યા હતા. વચગાળાની સરકારના સલાહકાર સૈયદ રિઝવાનનાં નિવાસસ્થાનની બહાર પણ બે બોંમ ધડાકા થયા હતા.
આ સિવાય પોલીસ સ્ટેશન સંકુલમાં પાર્ક કરાયેલી બસો સહિતના વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.તેમા કચરા ડમ્પીંગ સ્થળમાં પણ આગ લગાડવામાં આવી હતી.
મેટ્રોપોલીટન પોલીસવડા સજાન અલીએ તોફાનીઓ દેખાવકારો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. હિંસા તથા પોલીસની કામગીરીને પગલે દેશમાં ફરી અરાજકતા સર્જાવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં ગત વર્ષે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના સામે આંદોલન થયુ હતું. અને જોતજોતામાં હિંસક બની ગયુ હતું. જેને પગલે શેખ હસીના પદભ્રષ્ટ થયા હતા. તેઓ ગુપચુપ ભારત આવી ગયા હતા અને ભારતમાં આશરો લીધો હતો 15 જુલાઈથી ઓગસ્ટ દરમ્યાન આ હિંસામાં 1400 લોકો માર્યા ગયા હતા.
શેખ હસીના સામે કયાં કેસ? જન્મટીપ કે મૃત્યુદંડ થઈ શકે
શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા બાદ યુનુસ સરકારે તેમની સામે માનવતા વિરૂદ્ધના ગુના-હિંસાના કેસ દાખલ કર્યા હતા અને તેમાં મૃત્યુદંડની સજાની માંગણી કરી હતી. માનવતા વિરૂદ્ધનાં ગુના-કૃત્યોના માસ્ટર માઈન્ડ સુત્રધાર તરીકે શેખ હસીનાને દર્શાવાયા હતા.
તેમનાં સિવાય મુખ્ય પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા સામે પણ ગંભીર આરોપ મુકયા હતા જોકે તેઓ પછી આ કેસમાં તાજના સાક્ષી બની ગયા હતા. તેઓ એકમાત્ર આરોપી છે. જેઓએ રૂબરૂમાં ટ્રાયલનો સામનો કર્યો છે.
શેખ હસીનાએ જ ઓડીયો મેસેજથી આંદોલન માટે ઉશ્કેર્યા
ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથેના કેસમાં ચુકાદા પૂર્વે જ તેઓએ ઓડીયો મેસેજ રીલીઝ કરીને સમર્થકોને આંદોલન કરવા માટે આહવાન કર્યું હતું. જેને પગલે અવામી લીગનાં સમર્થકો દ્વારા બાંગ્લાદેશ બંધનુ એલાન જાહેર કર્યુ તે દરમ્યાન હિંસા ફાટી નીકળી હતી.
સમગ્ર દેશમાં હાઈએલર્ટની ઘોષણા કરવામાં આવી હતી. શેખ હસીનાએ ઓડીયો મેસેજમાં એમ કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે હું જીવીત જ છું અને લોકો માટે લડત ચાલુ રાખીશ. મારી સામેનાં આરોપ-કેસ ખોટા અને ગેરકાયદે છે.

