Dhoraji, તા. 17
ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ 1ર જેટલા કારખાનાઓમાં ત્રાટકી તસ્કરો મોટો હાથફેરો કરી જતા હાહાકાર મચી જવા પામી છે. આ ઘટનામાં બુકાનીધારી ચાર તસ્કરોની ટોળી સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
શહેરમાં જે 1ર કારખાનાઓને તસ્કરોએ નિશાન બનાવેલ છે. તેમાં 11 કારખાનાઓ પ્લાસ્ટીકના છે કેમેરામાં કેદ થયેલી તસ્કર ટોળીએ આ ઘટનામાં કારખાનાઓમાં તોડફોડ કરી હાથ માર્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ પોલીસે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. આ અંગેની સિલસિલાબંધ વિગતો એવી છે કે તસ્કરોએ સૌપ્રથમ રજવાડી પાણીના કારખાનામાં હાથ મારી રૂા. 15 હજારની રકમ ઉસેડી લઇ કારખાનામાં તોડફોડ કરી હતી.
ત્યારબાદ ગોકુલ પ્લાસ્ટીકમાં અંદાજીત 40,000ની ચોરી કરી તોડફોડ કરેલ તેમજ નીલેશ પોલીમર્સમાં તોડફોડ કરી છે જે બાદ મોસમ પ્લાસ્ટીકમાંથી 7000ની ચોરી, યુનિક પ્લાસ્ટિકમાંથી પ000ની ચોરી, કે.કે.પોલીમર્સ અને અર્જુન પ્લાસ્ટીકમાં ભાંગફોડ કરાયેલ છે.
આ ઉપરાંત ઓમસાંઇ પોલીપેકમાંથી પણ તસ્કરો 30,000ની રોકડ ઉઠાવી ગયા છે. તેની સાથોસાથ જેનરી એન્ટરપ્રાઇઝ, સુમીત પોલીમર્સ, શ્રી ઇન્ડસ્ટ્રીઝ અને ખોડલ એમ્પાર નામના કારખાનાઓમાં પણ તોડફોડ તસ્કરોએ કરી છે.
આમ કુલ શહેરના જુનાગઢ રોડ પરના 1ર જેટલા કારખાનાઓને નિશાન બનાવી તસ્કરો દલ્લો ઉઠાવી ગયા છે. આ ઘટનાની જાણ થતા પ્લાસ્ટીક એસો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાએ જણાવ્યું હતું કે, પોલીસે જુનાગઢ તંત્ર પર પોલીસ પેટ્રોલીંગ વધારવું જોઇએ આ ઘટના રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ બની હતી. જોકે ચોરી કરનાર ચાર તસ્કરોની ટોળી સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતા જ તસ્કર ટોળીને દબોચી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં તસ્કરોએ કારખાનામાં રાખેલ દાનપેટીની પણ તોડફોડ કરી રોકડ ઉઠાવી ગયા હોવાનું ખુલ્યુ છે.

