Amreli, તા.17
લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાજય સરકાર દ્વારા પાછલા 30 વર્ષ ઉપરાંતના સમયથી ડેન્ટલ વિભાગ કાર્યરત હતો. તે સેટઅપના બાના તળે પાછલા છ માસથી ડેન્ટલ વિભાગ બંધ કરી દેવામાં આવતા દાંતના દર્દીઓની મુશ્કેલીમાં નોંધનીય વધારો થવા પામેલ છે.તેવા સમયે ગ્રામજનોએ ફરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ વિભાગ શરૂ કરવા પ્રબળ માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે તે લીલીયા તાલુકો ખારાપાટ વિસ્તારમાં આવતો હોય. લીલીયા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં તળ પાણીમાં ફલોરાઈડ અને ક્ષારનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાંની માત્રામાં હોય. તેને લઈ રાજય સરકાર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ વિભાગ પાછલા 30 વર્ષ પહેલાં શરૂ કરી ડેન્ટિસ્ટ ડોકટર લક્ષ્મણસિંહ તોમરની નિમણૂક કરવામાં આવેલ. તેઓ તારીખ 30/5/2025ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા ડેન્ટલ વિભાગને સેટઅપ નથી. તેવા બહાના તળે ડેન્ટિસ્ટ વિભાગ ને બંધ કરવામાં આવેલ અને પાછલા છ માસથી લીલીયામાં ડેન્ટિસ્ટ વિભાગ બંધ છે.
વર્તમાનમાં ડેન્ટલ વિભાગની લાખો રૂપિયાના ખર્ચેખરીદાયેલ મશીનરી ધૂળ થઈ રહી છે અને દાંતના ડોકટરના અભાવે દાંતના દર્દીઓ સારવાર મેળવવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.તેવા સમયે રાજય સરકાર દ્વારા ખારાપાટ વિસ્તારના લોકોની મુશ્કેલી ઘ્યાનમાં લઇ ફરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ વિભાગ શરૂ કરવા અને દાંતના ડોકટરની નિમણૂક કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાંથી પ્રબળમાં ઉઠવા પામી છે.

