આગ્રાના ધારાસભ્ય ગણાવીને સદર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં ૧૮ દિવસ સુધી પૈસા ચૂકવ્યા વિના રોકાણ કર્યું
Agra તા.૧૭
ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દિલ્હીના તુગલકાબાદના રહેવાસી વિનોદ અને તેના સાથી મનોજે પોતાને આગ્રાના ધારાસભ્ય ગણાવીને સદર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં ૧૮ દિવસ સુધી પૈસા ચૂકવ્યા વિના રોકાણ કર્યું હતું.
આ બંને સાંસદ લખેલી ગાડીનો ઉપયોગ કરીને વેપારીઓ પર રોફ જમાવતા હતા. હોટલ માલિકની ફરિયાદના આધારે પોલીસે શનિવારે બંનેની ધરપકડ કરી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ બંને સ્થાનિક હોટલ અને વેપારીઓને ધમકાવી રહ્યા હતા અને તેમની પૂછપરછ ચાલુ છે; કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, પોતાને આગ્રાનો ધારાસભ્ય ગણાવનાર વિનોદે ૨૮ ઓક્ટોબરે સદર કોતવાલીની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. ૧૮ દિવસ સુધી તેણે હોટલમાં એક પણ બિલ ચૂકવ્યું ન હતું અને બહારની રેસ્ટોરન્ટમાંથી પણ ખાવાનું મંગાવીને ખાતો રહ્યો હતો. તેણે એક પોસ્ટરમાં પોતાને દિલ્હી નગર નિગમનો પૂર્વ પાર્ષદ ગણાવ્યો છે, જ્યારે હકીકતમાં તે કંઈ નથી. એટલું જ નહીં, આરોપી વિનોદ એકલવ્ય સ્પોર્ટ્સ સ્ટેડિયમ પહોંચ્યો અને સ્ટાફને ધમકાવતા કહ્યું કે, હું ધારાસભ્ય છું, મારા માટે ફૈંઁ વ્યવસ્થા કરો. હું આવતીકાલથી ક્રિકેટ રમીશ. આ સાથે તેનો એક વીડિયો પણ વાઈરલ છે જેમાં તે પોતાને ધારાસભ્ય ગણાવી રહ્યો છે. હોટલના માલિક પવન પટેલે જણાવ્યું કે, આરોપીએ ૧૮ દિવસથી કબજો જમાવી રાખ્યો હતો. જ્યારે પણ રૂમનું ભાડું અને ખાવાનું બિલ માંગવામાં આવ્યું ત્યારે તે કહેતો કે, હું ૧ ડિસેમ્બર સુધી સરકારી કામથી રોકાયો છું, પછી આપીશ. જ્યારે લાગ્યું કે હવે હદ થઈ ગઈ છે, ત્યારે ફરિયાદ કરી.
ફરિયાદ મળ્યા બાદ જ્યારે પોલીસ પૂછપરછ માટે પહોંચી, ત્યારે આરોપીએ પોલીસને પણ ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. એસીપી ઇમરાન અહેમદએ જણાવ્યું કે બંને આરોપી દિલ્હીના છે. બંનેમાંથી કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય નથી. તેમના વિરુદ્ધ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે, હાલ પૂછપરછ ચાલુ છે.

